મહારાષ્ટ્ર બોર્ડની સ્કૂલો પરંપરાનુસાર જૂનમાં જ શરુ થશે
અટકળો સર્જાતાં શિક્ષણ વિભાગની સ્પષ્ટતા
ધો.૧ અને શક્ય હોય તો ધો.૨માં એનઈપી લાગુ કરવા સિવાય કોઈ બદલાવ થશે નહીં
મુંબઈ - નવા શૈક્ષણિક વર્ષમાં સ્ટેટ એજ્યુકેશન બોર્ડની સ્કૂલો સીબીએસઈ પ્રમાણે પહેલી એપ્રિલથી શરુ થશે, એવી વાત વહેતી થઈ હતી. પરંતુ સ્કૂલો જૂનથી જ શરુ થશે, એવું સ્પષ્ટીકરણ શિક્ષણ વિભાગે આપ્યું છે. આગામી શૈક્ષણિક વર્ષે ધો.૧ના વિદ્યાર્થીઓને નવો અભ્યાસક્રમ લાગુ થશે. આ અભ્યાસક્રમની નિર્મિતી સીબીએસઈ જેવી કરાઈ છે. તે બદલાવ સિવાય શાળાના ટાઈમટેબલમાં અન્ય કોઈ બદલાવ કરાયો નથી, એવું શિક્ષણ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.
નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી) સુસંગત કોર્સની અમલબજાવણી આગામી ત્રણ વર્ષમાં તબક્કાવાર સ્કૂલોમાં લાગુ કરાશે, એવું ગયા અઠવાડિયે શિક્ષણ વિભાગ દ્વારા કહેવાયું હતું. ત્યારબાદ એવા પણ સમાચાર વહેતા થયા હતાં કે સીબીએસઈ મુજબ જ સ્ટેટ બોર્ડની સ્કૂલો પણ હવે જૂનને બદલે એપ્રિલ મહિનેથી શરુ થશે.
જોકે આ સમાચાર વહેતાં થતાં જ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ગૂંચવણ સર્જાઈ હતી. કારણ હજી તો સ્કૂલોમાં અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. કેટલીક સ્કૂલોમાં પરીક્ષા એપ્રિલ મહિને રાખવામાં આવી છે. ત્યાં એપ્રિલમાં નવું શૈક્ષણિક વર્ષ શરુ કરવું શક્ય જ નથી. વળી શિક્ષણ વિભાગે આવો નિર્ણય લેતાં પહેલાં સંબંધિતોને આ બાબતે વિશ્વાસમાં લીધા નહોતાં.
આથી આ સંદર્ભે શિક્ષણ કમિશ્નરને પ્રશ્ન પૂછાતાં તેમણે સ્કૂલોના ટાઈમટેબલ કે એકેડમિક કેલેન્ડરમાં હાલ કોઈ બદલાવ થવાનો ન હોવાનું જણાવ્યું હતું. શિક્ષણ વિભાગના રાજ્યમંત્રીના કહ્યાનુસાર, ધો.૧ અને શક્ય હોય તો ધો.૨માં એનઈપી લાગુ કરવાનો બદલાવ થશે. પરંતુ સ્કૂલો નિયમિત મુજબ જૂનમાં જ શરુ થશે, એવું જણાવ્યું હતું.