મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ બાવનકુળેના પુત્રની ઓડીની અનેક વાહનોને ટક્કર
સંકેત બાવનકુળે કારમાં જ હતો, 150ની સ્પીડે કાર દોડાવી
બિયર બારમાંથી પાછા ફરતી વખતે અકસ્માતમાં 2 ઘાયલ, નશામાં હતા કે નહિ તે નક્કી કરવા બ્લડ સેમ્પલ લેવાયાં,
સંકેત કારમાં જ હોવા છતાં તેની ધરપકડ નહિઃ કાર અન્ય મિત્ર ચલાવતો હોવાનો દાવોઃ ચાલક સહિત 2ની ધરપકડ
મુંબઈ : નાગપુરમાં ગઈકાલે રાતે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચન્દ્રશેખર બાવનકુળેનો પુત્ર સંકેત બાવનકુળેની ઓડી કારે દોઢસોની સ્પીડે ધસી જઈ જુદી જુદી બે ં કાર, બે બાઈક સહિત પાંચ વાહનને અડફેટે લીધાં હતાં. આ ઘટનામાં ટુ વ્હીલર પર જનારા બે લોકોને ઈજા થઈ હતી. સંકેત આ કારમાં હતો પણ તેનો મિત્ર કાર ચલાવી રહ્યો હોવાનો દાવો થયો છે. પોલીસે કાર ચલાવનારા તથા કારમાં હાજર અન્ય એક મિત્રની ધરપકડ કરી હતી. જોકે, સંકેતની ધરપકડ કરવાનું પોલીસે ટાળ્યું છે. બીયર બારમાંથી પાછા ફરતી વખતે અકસ્માત થયો હોવાથી ડ્રાઈવર તથા અન્યો નશામાં હતા કે નહિ તેની તપાસ કરવા માટે બ્લડ સેમ્પલ લેવાયાં છે.
નાગપુરના રામદાસપેઠ વિસ્તારમાં ગઈકાલે રાતે સાડા બાર વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. સંકેતનો મિત્ર અને વ્યવસાયે કોન્ટ્રાક્ટર અર્જુન હાવરે કાર ચલાવી રહ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. સંકેતની સાથે તેનો મિત્ર રોનિત ચિંતમવાર પણ કારમાં હતો. રોનિતનો ટ્રાન્સફોર્મરનો વ્યવસાય હોવાનું કહેવાય છે.
અર્જુને અંદાજે ૧૫૦ની સ્પીડમાં કાર દોડાવી હતી. રામદાસ પેઠ વિસ્તારમાં કારના ડ્રાઈવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. તેણે બે બાઈક અને અન્ય કારને અડફેટમાં લીધી હતી. સદ્ભાગ્યે કોઈને ઈજા થઈ નહોતી. અકસ્માત પછી તેઓ ઘટનાસ્થળે રોકાવાને બદલે પલાયન થઈ ગયા હતા. આ સમયે ઘટનાસ્થળે હાજર લોકોએ બૂમાબૂમ કરી આરોપીઓને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ, આ નબીરાઓ તેમને ચકમો આપીને ભાગી છૂટયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કારે સૌથી પહેલાં જિતેન્દ્ર સોનકાંબલે નામના ફરિયાદીની કારને ટક્કર મારી હતી. ત્યારબાદ એક મોપેડને કારની ટક્કર વાગી હતી. તેના લીધે મોપેડ પર સવાર બે યુવકો રોડ પર પટકાતાં તેમને ઈજા થઈ હતી. આ કાર બાદમાં માણકપુર વિસ્તાર તરફ ધસી ગઈ હતી. ત્યાં તેણે અન્ય કેટલાંક વાહનોને પણ ટક્કર મારી હતી. ટી પોઈન્ટ પર આ કારે અન્ય એક પોલો કારને અડફેટે લીધી હતી. પોલો કારના ચાલકે ઓડીનો પીછો કર્યો હતો અને તેને માનકાપુર બ્રિજ પાસે અટકાવી હતી. તે વખતે ઓડીમાં બેઠેલો સંકેત અન્ય કારમાં ભાગી ગયો હતો. જોકે, અર્જુન તથા રોનિત પકડાયા હતા. ઉપસ્થિત લોકોએ બંનેને ફટકાર્યા પણ હતા અને પોલીસને સોંપી દીધા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી હતી. બાદમાં તેમને જામીન પર છોડી દેવાયા હતા. અકસ્માત વખતે કારમાં બેઠેલા તમામ દારૃના નશામાં હતા કે કેમ તે નિશ્ચિત કરવા માટે પોલીસે તેમના બ્લડ સેમ્પલ મેળવ્યાં છે.
નિષ્પક્ષ રીતે તપાસ થશે તેવો બાવનકુળેનો દાવો
ભાજપના પ્રદેશ પ્રમુખ ચન્દ્રશેખર બાવનકુળેએ સ્વીકાર્યું હતુ ંકે અકસ્માત સર્જનારી કાર તેમના પુત્ર સંકેતના નામે નોંધાયેલી છ ે. બાવનકુળેએ દાવો કર્યો હતો કે પોલીસે નિષ્પક્ષ રીતે અને કોઈ દબાણ કે પૂર્વગ્રહ રીતે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં જે પણ દોષીત જણાય તેમની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ . મેં કોઈ પોલીસ અધિકારી સાથે વાત કરી નથી. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ એમ તેમણે કહ્યું હતું.
કાર માલિકની ઓળખ છૂપાવવા પોલીસના ધમપછાડા
નાગપુર પોલીસે આ કાર પ્રદેશ ભાજપ પ્રમુખ ચન્દ્રશેખર બાવનકુળેના પુત્રની હોવાનું છૂપાવવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. શરુઆતમાં પોલીસે માત્ર ડ્રાઈવર અને તેના મિત્રની જ કારમાં હાજરી હોવાની વિગતો જણાવી હતી. કારમાં હાજર ત્રણમાંથી બે લોકોની ધરપકડ થઈ તો સંકેતની ધરપકડ કેમ થઈ નથી તેનો પણ કોઈ ખુલાસો કરવાનું પોલીસે ટાળ્યું હતું. કારની નંબર પ્લેટ પરથી માલિકની પરખ આસાન હોવા છતાં પણ બનાવ અંગેની ફરિયાદમાં પોલીસે સંકેતના નામનો કોઈ ઉલ્લેખ પણ ક્યો નથી.
કારની નંબર પ્લેટ કાઢી નખાઈ હતી
સંકેત બાવનકુળે તથા તેમના મિત્રોએ તેમની કારની માલિકી છતી ન થાય તે માટે કારની નંબર પ્લેટ કાઢી નાખી હતી. પોલીસને આ નંબર પ્લેટ કારની અંદરથી મળી હતી. કદાચ નંબર પ્લેટ બદલવાનો પ્રયાસ થયો હોય અને તે પહેલાં જ આરોપીઓ પકડાઈ જતાં સમય ન મળ્યો હોય તેવી પણ અટકળો વ્યક્ત થઈ રહી છે.
સંકેત સિફતપૂર્વક ભાગ્યો, બે મિત્રોએ માર ખાધો
માનકાપુર બ્રિજ પાસે ઓડી કારને અટકાવવામાં આવી હતી. તે સમય ેસંકેત બાવનકુળે સિફતપૂર્વક સરકી ગયો હતો અને અન્ય કારમાં બેસી ભાગી છૂટયો હતો. બીજી તરફ તેના મિત્રો અર્જુન અને રોનિત ટોળાંના હાથમાં આવી જતાં બેનેની ધોલાઈ થઈ હતી. જો સંકેત ભાગ્યો ન હોત તો તેણે પણ ટોળાંનો મેથીપાક ખાવો પડયો હોત એ નક્કી હતું. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને બે મિત્રોને બચાવી પોલીસ મથકે લઈ આવ્યા હતા .