'મહારાષ્ટ્રમાં કોઈ એક પક્ષની સરકાર બનવી મુશ્કેલ', શું અજીત પવારે આડકતરી રીતે ભાજપને આપ્યો સંદેશ?
Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં બંને તરફ ગઠબંધન હોવાથી બંને તરફના પક્ષો પોતપોતાની બેઠકો વધારવામાં લાગેલા છે. એક તરફ NDAમાં શિંદે અને પવાર ભાજપ પર દબાણ બનાવી રહ્યા છે. ત્યાં બીજી તરફ મહા વિકાસ અઘાડીમાં પણ પવાર અને ઠાકરે વચ્ચે બેઠકોના ગણિતને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં NDA સરકારમાં ઉપમુખ્યમંત્રી તથા NCP નેતા અજીત પવારે મોટું નિવેદન આપ્યું છે.
ભાજપ પર દબાણ બનાવવાના પ્રયાસ?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં NDAના જે ત્રણ પક્ષો ગઠબંધનમાં ચૂંટણી લડશે તે ગઠબંધનને મહાયુતિ પણ કહેવામાં આવે છે. આ મહાયુતિમાં કયો પક્ષો કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેને લઈને અજીત પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે '2019માં જે પક્ષ જેટલી બેઠકો પર વિજયી થયો, તે બેઠક તેના ફાળે જશે.'
સૂત્રો અનુસાર મહાયુતિમાં બેઠકોની વહેંચણીને લઈને એક સમિતિનું ગઠન પણ કરવામાં આવ્યું છે. અજીત પવારે એમ પણ કહ્યું છે, કે 'કોઈ બેઠક પર સારો ઉમેદવાર મળે તે પક્ષો વચ્ચે બેઠકની અદલાબદલી પણ થઈ શકે છે. જોકે હજુ સુધી આના પર અંતિમ નિર્ણય લેવાયો નથી.'
અમારો એજન્ડા વિકાસ: પવાર
ભાજપના હિન્દુત્વ રાજકારણ મુદ્દે સવાલ પૂછવામાં આવતા પવારે કહ્યું હતું, કે 'દરેક પક્ષની પોતાની વિચારધારા હોય છે, પણ અમારા ગઠબંધનની પ્રાથમિકતા માત્રને માત્ર વિકાસ જ છે. રાજ્યની પરિસ્થિતિને જોતાં કોઈ પણ એક પક્ષની સરકાર બનવી મુશ્કેલ છે. તેથી અમે વિકાસના નામે એકસાથે આવ્યા છીએ ભલે અમારી વિચારધારા અલગ હોય.'