Get The App

30 ઓગસ્ટ પછી ગમે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
30 ઓગસ્ટ પછી ગમે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે 1 - image


30મી ઓગસ્ટે આખરી મતદાર યાદી પ્રગટ કરાશે

સધારાયેલી મતદાર યાદીનો ડ્રાફ્ટ રજૂ કરાયો, હવે 20મી સુધી વાંધા સૂચન મગાવાયાઃ ચૂંટણી પંચ 30મી પહેલાં કવાયત પૂરી કરી દેશે 

મુંબઈ :  મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીની તારીખોની જાહેરાત તા. ૩૦મી ઓગસ્ટ પછી ગમે ત્યારે થઈશકે છે. ચૂંટણી પંચે આ ચૂંટણી માટેની આખરી મતદાર યાદી  પ્રગટ કરવા માટે તા. ૩૦મી ઓગસ્ટની તારીખ જાહેર કરી છે. આથી, આ તારીખ પછી ચૂંટણી તારીખોની ઘોષણા થશે તેમ મનાય છે. 

ચૂંટણી પંચ દ્વારા પચ્ચીસમી જૂનથી પાંચમી ઓગસ્ટ વચ્ચે મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી બાદ મતદાર યાદીનો પહેલો ડ્રાફ્ટ તા. છઠ્ઠી ઓગસ્ટે રીલિઝ કરી દેવામાં આવ્યો છે. હવે છઠ્ઠી ઓગસ્ટથી તા. ૨૦મી ઓગસ્ટ સુધી આ મતદાર યાદીના ડ્રાફ્ટ બાબતે વાંધા સૂચનો મગાવવામાં આવ્યા છે. ૨૦મી સુધીમાં વાંધા સૂચનો તથા દાવા મળ્યા બાદ છેવટે તા. ૩૦મી ઓગસ્ટે આખરી મતદાર યાદી પ્રગટ કરાશે અને તે જ સાથે વિધાનસભા ચૂંટણીની કવાયતનો એક તબક્કો પૂરો થશે અને તારીખો નક્કી કરવા તથા સલામતી વ્યવસ્થા અને અન્ય વહીવટી તૈયારીઓની શરુઆત થઈ જશે. 

૨૮૮ બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર ના હાલની વિધાનસભાની મુદ્દત આગામી તા. ૨૬મી નવેમ્બરે પૂર્ણ થાય છે. જોકે, તા. પહેલી નવેમ્બરે દિવાળી છે.  દિવાળીના તહેવારો વખતે લોકો મોટી સંખ્યામાં પોતાના વતન જતા રહેતા હોવાથી મતદાન પર અસર પડી શકે છે. આથી એક ગણતરી એવી છે કે ચૂંટણી પંચ કદાચ દિવાળી પહેલાં જ ઓક્ટોબર માસમાં ચૂંટણી યોજાય તે પ્રમાણેનું સમયપત્રક તૈયાર કરશે. 

રાજ્યમાં ગત વિધાનસભા ચૂંટણીમાં એક તરફ ભાજપ અને ત્યારની અવિભાજિત શિવસેના અને બીજી તરફ કોંગ્રેસ અને ત્યારની અવિભાજિત  એનસીપી વચ્ચે મુકાબલો યોજાયો હતો. જોકે, કાઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. શિવસેનાએ મુખ્યપ્રધાનપદ પોતાને મળે તેવો આગ્રહ સેવતાં ભાજપ  અને શિવસેનાની યુતિ તૂટી પડી હતી.  એક તબક્કે ભાજપના દેવેન્દ્ર ફડણવીસે એનસીપીના અજિત પવારને નાયબ સીએમ તરીકે શપથ લેવડાવી સરકાર રચ ીહતી પરંતુ આ સરકાર થોડા  કલાકો  જ ચાલી હતી. બાદમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળી મહાવિકાસ આઘાડીની સરકાર રચી હતી. જોકે, જૂન ૨૦૨૨માં શિવસેનામાં ભાગલા પડયા હતા અને એકનાથ શિંદેએ ભાજપ સાથે મળીને સરકાર રચી હતી. બાદમાં ગયાં વર્ષે અજિત પવાર પણ એનસીપીમાં ભાગલા પડાવી આ સરકારમાં જોડાઈ ગયા હતા. 

આ ચૂંટણીમાં એક તરફ ભાજપ , શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી તથા બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવની શિવેસના અને શરદ પવારની એનસીપી એમ બે જોડાણોનો મુકાબલો થવાનો છે. ગત લોકસભા ચૂંટણીમાં વિપક્ષી મહાવિકાસ આઘાડીને ૪૮માંથી ૩૧ બેઠકો મળી હોવાથી તેમનો જુસ્સો  બુલંદ છે. 

લોકસભાની સરખામણીએ સાત લાખ મતદાર વધ્યા

મહારાષ્ટ્રમાં લોકસભાની સરખામણીએ વિધાનસભા માટે મતદારોમાં સાત લાખનો વધારો થયો છે. 

ગત એપ્રિલ-મે માં યોજાયેલી  લોકસભા ચૂંટણી વખતે રાજ્યમાં કુલ ૯,૨૯,૪૩,૮૯૦ મતદારો નોંધાયા હતા. જોકે, હાલમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાં સુધારાની કામગીરી હાથ ધર્યા બાદ મતદારોની સંખ્યા વધીને ૯,૩૬,૭૫, ૯૩૪ થઈ છે. 

લોકસભામાં પુરુષ મતદારો ૪,૮૩,૧૨,૪૨૮ હતા જ્યારે મહિલા મતદારો ૪,૫૦,૧૭,૦૬૬  હતા. વિધાનસભામાં   ૩,૪૦, ૬૬૦ વધુ  પુરુષ મતદારો અને ૩,૯૧,૩૨૪  વધુ સ્ત્રી મતદારો નોંધાયા છે.



Google NewsGoogle News