મહારાષ્ટ્રમાં મહાપૂરઃ કોલ્હાપુર, સાતારા, સાંગલીમાં જળપ્રલય
- મહાબળેશ્વરમાં 241 ઈંચ, માથેરાનમાં 183 ઈંચ, નાશિકમાં 39 ઈંચ અને સાતારામાં 44 ઈંચઃ જવ્હાર- વાડાના રસ્તા તૂટી ગયાઃ અસંખ્ય ગામ બેટ બની ગયાં
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.08 ઓગસ્ટ 2019, ગુરુવાર
મેઘરાજા એકાદ સપ્તાહથી મહારાષ્ટ્રને રસતરબોળ કરી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ત્રણેક દિવસથી મધ્ય મહારાષ્ટ્રનાં કોલ્હાપુર, સાતારા અને સાંગીલને મેઘતાંડવની જબરી થપાટ વાગી રહી છે. કોલ્હાપુર, સાતારા અને સાંગલીમાં અતિવૃષ્ટિ થઈ હોવાથી જનજીવન તો અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સાથોસાથ માલમિલકતને પણ ભારે નુકસાન થયું છે. કોલ્હાપુર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ૩૮૧૩ ઘરને ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળે છે. નદીઓ ગાંડીતૂર થઈને બે કાંઠે વહી રહી છે. ડેમોમાં વિપુલ જળરાશિ આવી છે.
બીજી બાજુ વરૂણદેવે મોડે મોડે પણ વિદર્ભ પર પણ કૃપા કરી છે. બુધવારથી વિદર્ભનાં નાગપુર, ગઢચિરોળી અને અમરાવતી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વર્ષોથી ગઢચિરોળી જિલ્લાની પર્લકોટા નદી ગાંડીતુર થઈને બેકાંઠે વહી રહી છે. સાથોસાથ ગઢચિરોળી જિલ્લાના ભામરાગઢ, નરખેડ અને કાટોલામાં પણ મુશળધાર વર્ષા થઈ હોવાના સમાચાર મળે છે. શ્રીકાર વર્ષાથી અમરાવતી જિલ્લાનાં ૨૭ ગામો વિખુટાં પડી ગયાં છે. ધારણા તાલુકામાં ભારે વર્ષા થઈ છે.
ત્રીજી બાજુ પાલઘર જિલ્લાના જવ્હાર અને વાડા તાલુકામાં પણ મુશળધાર વર્ષા થઈ છે. ભારે વરસાદથી આ બંને તાલુકાનાં ૩૫ ગામો બેટમાં ફેરવાઈ ગયાં છે. રસ્તા તૂટી ગયા હોવાથી આ તમામ ગામો મુખ્ય તાલુકા મથકથી વિખુટાં પડી ગયાં છે.
મહારાષ્ટ્રનાં જાણીતા ધાર્મિક સ્થળ નાશિકની ગોદાવરી નદીમાં પણ પૂર ઉમટયાં હતા. જોકે આજે ગોદાવરીનાં પૂર ઓસર્યાં હોવાના સમાચાર મળે છે. આમ છતાં નદીમાંથી બહાર ફેંકાયેલો કચરો અને વરસાદી પાણીને કારણે તણાઈ આવેલાં માટી- કાદવને કારણે શહેરમાં ચારે તરફ ગંદકી ફેલાઈ ગઈ હોવાના સમાચાર મળે છે. ગંદકીને કારણે શહેરમાં રોગચાળો ફેલાય તેવી ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે.
હવામાન ખાતાની માહિતી મુજબ મહારાષ્ટ્રનાં પ્રવાસ- પર્યટન ધામ માથેરાન અને મહાબળેશ્વરમાં તો જાણે આકાશ આખું વરસી પડયું હોય તેવો રેકોર્ડ વરસાદ વરસ્યો છે. મહાબળેશ્વરમાં અત્યાર સુધીમાં ૬૦૩૧.૫ મિલિમીટર (૨૪૧.૨૪ ઈંચ) જ્યારે માથેરાનમાં અત્યાર સુધીમાં ૪૫૯૦.૬ મિલિમીટર (૧૮૩.૬ ઈંચ) જેટલો વિપુલ વરસાદ વરસ્યો છે. સાથોસાથ નાશિકમાં ૯૮૪.૪ મિલિમીટર (૩૯.૩૬ ઈંચ) અને સાતારામાં ૧૧૧૫.૩ મિલિમીટર (૪૪.૬ ઈંચ) જેટલી ભરપૂર વર્ષા થઈ છે.