મહાદેવ ઓનલાઇન બુકની દુબઇની પાર્ટીમાં જનારા બોલીવૂડના સ્ટાર્સ પર ઇડીનો સંકજો

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
મહાદેવ ઓનલાઇન બુકની દુબઇની પાર્ટીમાં જનારા બોલીવૂડના સ્ટાર્સ પર ઇડીનો સંકજો 1 - image


દુબઇની લકઝરી હોટલમાં યોજાયેલી પાર્ટીમાં હાજર રહેનારા પાસેથી 2.5 કરોડ રૃપિયા જપ્ત,    

સૌરભ ચન્દ્રાકરે સગાંઓને દુબઇમાં થયેલાં લગ્નમાં બોલાવવા માટે ખાનગી જેટ વિમાનો ભાડે કર્યા હતા

મુંબઇ :  મહાદેવ ઓનલાઇન બુક-એમઓબી-નામનું ઓનલાઇન ગેમ્બલિંગ અને બેટિંગનું તરકટ ચલાવનારાં છત્તીસગઢના બે ગઠિયાઓએ દુબઇમાં યોજેલી પાર્ટીમાં રોકડાં નાણાં લઇ નાચનારા બોલીવૂડના ફિલ્મ સ્ટાર્સ પર ઇડીએ સંકજો  કસવાની શરૃઆત કરી દીધી છે. ઇડીએ મુંબઇ અને દિલ્હીમાં કેટલાંક સેલિબ્રિટીઓના મેનેજર્સને લક્ષ્ય બનાવી દરોડા પાડયા હોવાનું જાણવા મળ્યું છે. આ દરોડાઓમાં અઢી કરોડ રૃપિયાની રોકડ રકમ મળી હોવાનું ખૂલ્યું છે. 

મની લોન્ડરિંંગ  એક્ટ હેઠળમાં જેની શોધ કરવામાં આવી રહી છે તે સૌરભ ચન્દ્રાકરે  મહાદેવ એપ મારફતે લોકોને સટ્ટાબાજી કરાવીને કરોડો રૃપિયાની કમાણી કરી અને દુબઇમાં પોતાના  લગ્નમાં ૨૦૦ કરોડ રૃપિયા ઉડાવ્યા હતા. ચન્દ્રાકરે ૨૦૨૩માં તેના દુબઇમાં થયેલાં લગ્નમાં પોતાના સગાંઓને ખાનગી જેટ વિમાનોમાં લાવ્યો હતો. બોલીવૂડના ઘણાં ફિલ્મ સ્ટાર્સ પણ આ લગ્નમાં પરફોર્મ કરવા પહોંચી ગયા હતા. ઇડીના સૂત્રોનાજણાવ્યા અનુસાર આ કલાકારોને હવાલા ઓપરેટસ ર્ દ્વારા રોકડાં નાણાં ચૂકવવામાં આવ્યા હતા. 

ઇડીએ દરોડા પાડી અઢી કરોડ રૃપિયાની રોકડ જપ્ત કરવા ઉપરાંત આ સેલિબ્રિટીઝના મેનેજરોના નિવેદનો પણ નોંધ્યા છે. લગ્નમાં સામેલ થયેલાં બોલીવૂડના સેલિબ્રિટીઝને ટૂક સમયમાં ઇડી પૂછપરછ માટે બોલાવી શકે છે. ઇડીએ મહાદેવ એપના માલિક અને તેના પરિવાર, બિઝનેસ પાર્ટનર અને સેલિબ્રિટીઝ માટે ટિકિટીંગનું કામ કરનારી ટ્રાવેલ એજન્સી પર પણ દરોડા પાડયા  હતા. ઇડી આ કેસમાં કુલ ૪૧૭ કરોડ રૃપિયાની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે. 

પાંચ હજાર કરોડથી વધારે રકમની મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી ઇડી હવે બોલીવૂડના કલાકારોને લક્ષ્ય બનાવી શકે છે. મોટાભાગના સેલિબ્રિટીઝના મેનેજરોએ કબૂલ્યું છે કે તેમને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ તરફથી ઓપરેટરો દ્વારા રોકડાં નાણાં આપવામાં આવ્યા હતા.   



Google NewsGoogle News