મહાબળેશ્વરની લોક પ્રિય સ્ટ્રોબેરીને ભારે વરસાદનો ફટકો
ઉત્પાદનમાં ઘટાડાને લીધે ભાવ વધવાની શક્યતા
દર વખત કરતાં ઓછા વિસ્તારમાં ઉગાડવામાં આવશે, સિઝન પણ પાછી ઠેલાઈ
મુંબઇ : મહાબળેશ્વરની લોકપ્રિય સ્ટ્રોબેરીને આ વખતે સતત ચાલુ રહેલા ભારે વરસાદનો ફટકો પડશે. વરસાદી વાતાવરણને કારણે મહાબળેશ્વર અને પંચગણી વિસ્તારના ખેડૂતોએ સ્ટ્રોબેરી ઉગાડવાની કામગીરી પંદર દિવસ પાછી ઠેલી છે. ખેડૂતોએ એવો અંદાજ વ્યક્ત કર્યો છે કે આ વખતે દર વખત કરતાં ઓછા વિસ્તારમાં સ્ટ્રોબેરી ઉગાડવામાં આવશે, પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થશે.
સાતારા જિલ્લાના મહાબળેશ્વર, વાઇ, જાવળી, પંચગણી અને કોરેગાંવમાં વધુ વરસાદને લીધે નર્સરીમાં સ્ટ્રોબેરીના રોપાને રોગ લાગુ પડવા માંડયો છે. આને કારણે ઉત્પાદન ઘટશે. ઉઘાડ નીકળતો ન હોવાથી જમીનમાં ભીનાશ ઓછી નથી થતી.
હિલ- સ્ટેશન મહાબળેશ્વર સ્ટ્રોબેરીના ઉત્પાદન માટેનું મુખ્ય મથક ગણાય છે. દેશ- વિદેશના ટુરિસ્ટો મહાબળેશ્વર આવે છે જે સ્ટ્રોબેરી ખરીદવાનું ચૂકતા નથી. આ સ્ટ્રોબેરી અમદાવાદ, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નઇ અને દિલ્હી પણ મોકલવામાં આવે છે. પણ આ વખતે સપ્ટેમ્બર મહિનો શરૃ થયા છતાં પણ સ્ટ્રોબેરીની વાવણી શરૃ નથી થઇ. સામાન્ય રીતે પાંચમી સપ્ટેમ્બરથી ૧૫મી ઓક્ટોબર સુધી સ્ટ્રોબેરીના રોપાની વાવણી થતી હોય છે, પરંતુ આ વખતે વરસાદને કારણે વાવણી પાછી ઠેલાઇ છે.