એપ્રિલમાં મહાબળેશ્વર મહોત્સવ, હોર્સ રાઈડિંગ, સ્ટ્રોબેરી એક્ઝિબિશન યોજાશે
બ્રિટિશ રાજ વખતે બોમ્બે પ્રેસીડેન્સીનું સમર કેપિટલ હતુ
પ્રવાસીઓને આકર્ષવા માટે પેરાગ્લાઇડિંગ, , રોક કલાઇંબિંગ, જળક્રીડા, ફોર્ટ વિઝિટ સહિતનાં આયોજના
મુંબઇ - મહારાષ્ટ્રના લોકપ્રિય હિલ-સ્ટેશન મહાબળેશ્વરમાં દેશ-વિદેશના હજી વધુ ટુરિસ્ટોને આકર્ષવા માટે રાજ્ય સરકાર દ્વારા પહેલી જ વાર ત્રણ દિવસના મહાબળેશ્વર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૬મીથી ૨૮મી એપ્રિલ દરમ્યાન આયોજિત કરવા માટે સરકારે તડામાર તૈયારી શરૃ કરી દીધી છે.
સાતારા જિલ્લામાં પશ્ચિમ ઘાટ પર ૪૫૦૦ ફૂટની ઉંચાઇએ આવેલા મહાબળેશ્વરમાં પર્યટન વિભાગ અને જિલ્લા પ્રશાસન તરફથી ત્રણ દિવસીય મહોત્સવ દરમ્યાન સ્થાનિક કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવશે. મહાબળેશ્વર સ્ટ્રોબેરી માટે મશહૂર હોવાથી ખાસ સ્ટ્રોબેરી એક્ઝિબિશન યોજવામાં આવશે. પહાડી વિસ્તારના ગામડામાં વસતા ગ્રામજનોની રહેણીકરણીનો ખ્યાલ આપવા માટે ગ્રામ સંસ્કૃતિનું પ્રદર્શન યોજવામાં આવશે. ઉપરાંત બોલીવૂડના કલાકારો પણ કાર્યક્રમ રજૂ કરશે.
મહાબળેશ્વર અશ્વસવારીના શોખીનો માટેનું માનીતું સ્થળ છે. એટલે હોર્સ-રાઇડિંગ ઇવેન્ટ તેમ જ પેરાગ્લાઇડિંગ, ટ્રેકિંગ, રોક કલાઇંબિંગ, પેરા મોટરિંગ તેમ જ વોટર-સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવશે.
પરતંત્ર ભારતમાં બ્રિટિશરોએ મહાબળેશ્વરને સમર કેપિટલ બનાવ્યું હતું. આજે પણ અંગ્રેજોના જમાનાની અનેક ઇમારતો મોજૂદ છે. નજીકમાં જ આવેલું પાંચગણી બોર્ડિંગ સ્કૂલોને લીધે જાણીતું છે. ગાઢ જંગલો, પહાડ ઉપરથી વહેતા ઝરણાં પ્રાચીન મંદિરો અને ઘાટ ઉપરના જુદા જુદા પોઇન્ટ પરથી નયનરમ્ય નઝારો જોઇ શકાય છે. હવે નજીકમાં જ નવું મહાબળેશ્વર વિકસાવાઇ રહ્યું છે.
મહાબળેશ્વર હિન્દી અને મરાઠી ફિલ્મ ઉદ્યોગ માટે અનેક દાયકાઓથી શૂટિંગ માટેનું પ્રિય સ્થળ રહ્યું છે. છેલ્લે આર.આર.આર.નું શૂટિંગ અહીં થયું હતું.
કવી કલાપીએ લાઠી હાઉસ બનાવ્યું હતું
લાઠીના રાજવી અને કવિ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપીને મહાબળેશ્વર-પાંચગણી ખૂબ જ પ્રિય હતું. મહાબળેશ્વરમાં જ તેમણે લાઠી હાઉસ નામે બંગલો બંધાવ્યો હતો અને ત્યાં રહીને કુદરતના સાન્નિધ્યમાં કવિતા રચતા હતા. કલાપીના જીવન અને સાહિત્યના અભ્યાસુ રાજેશ પટેલના જણાવ્યા પ્રમાણે કલાપી ૧૯૦૦માં ૧૩મી જૂને લાઠીનું રાજ અંગ્રેજ પોલિટિકલ એજન્ટને સતધીન કરીને કાયમ માટે મહાબળેશ્વર જવાના હતા. કમનસીબે ૯મી જૂને જ તેમનું નિધન થયું હતું. ત્યાર પછી લાઠી હાઉસ કોઇ પારસી પરિવારે ખરીદી લીધું હતું.
પ્રતાપગઢ પાસે શિવાજી મહારાજે અફઝલ ખાનનો વધ કરેલો
મહાબળેશ્વરની નજીકમાં જ ઐતિહાસિક પ્રતાપગઢ ફોર્ટ આવેલો છે. ૧૬૫૯માં છત્રપતી શિવાજી મહારાજ અને બીજાપુર સલ્તનતના સેનાપતિ અફઝલખાન વચ્ચે આ જગ્યાએ યુદ્ધ થયું હતું. શિવાજી મહારાજે દગાબાજ અફઝળ ખાનનું પેટ વાઘનખથી ચીરીને આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. પ્રતાપગઢ પાસે અફઝલખાનનો મકબરો આવેલો છે.