લગ્નના ઈનકાર બાદ પ્રેમિકા આત્મહત્યા કરે તે માટે પ્રેમી જવાબદાર નહિઃ હાઈકોર્ટ
આ માત્ર સંબંધ તૂટયાનો કેસ છે, આત્મહત્યા માટે પ્રેરિત કર્યાનો નહિઃ કોર્ટ
પ્રેમીને છોડી મૂકવાનો ઈનકાર કરતા સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટની નાગપુર બેન્ચે પલ્ટાવ્યો
મુંબઈ - પ્રેમીએ લાંબો સમય ચાલેલા પ્રેમસંબંધનો ભંગ કર્યા બાદ પ્રેમિકા આત્મહત્યા કરે તો પ્રેમી સામે આત્મહત્યા માટે પ્રેરીત કરવાનો ગુનો નોંધી શકાય નહીં, એમ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ચુકાદામાં જણાવ્યું હતું.
ન્યા. ઉર્મિલા-ફાળકેએ મહિલાની આત્મહત્યા માટે પ્રેરીત કરવાના કેસમાંથી પ્રેમીને મુક્ત કર્યો હતો. આરોપી મહિલા સાથે નવ વર્ષ પ્રેમ સંબંધમાં હતો.
આ માત્ર સંબંધ તૂટયાનો કેસ છે જેને લીધે આત્મહત્યા માટે પ્રેરિત કર્યાનું કહેવાય નહીં, એમ જજે નિરીક્ષણ કર્યું હતું.
મૃતક મહિલાએ લખેલી વિસ્તૃત સ્યુસાઈડ નોટ અને બંને વચ્ચેના વોટ્સએપ ચેટ પરથી જણાય છે કે આ પ્રેમ સંબંધ હતો અને તેમની વચ્ચેના શારીરિક સંબંધ પરસ્પર સંમતિથી હતા.
તપાસ પરથી ક્યાંય જણાતું નથી કે અરજદારે મૃતકને કોઈ રીતે પોતાનો જીવ લેવા ઉશ્કેરી હોય.આથી વિપરીત પુરાવા દર્શાવે છે કે સંબંધ તોડયા પછી પણ મૃતક મહિલા સતત અરજદારના સંપર્કમાં રહેતી હતી.આવી સ્થિતિમાં અરજદારે લગ્નનો ઈનકાર કર્યો હોવા માત્રથી તેને આત્મહત્યા માટે ઉશ્કેરી હોવાનું કહી શકાય નહીં.
મૃતકે કરેલી આત્મહત્યા તૂટેલા સંબંધનું તાત્કાલિક પરિણામ ન હોતું. અરજદારે જુલાઈ ૨૦૨૦માં જ પ્રેમ સંબંધનો ઈનકાર કર્યો હતો અને ત્યાર બાદ મહિલાએ ત્રીજી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ આત્મહત્યા કરી હતી. આથી બે વાત સાથે કોઈ સંબંધ નથી, એમ જજે નોંધ કરી હતી.
કોર્ટે આથી ૨૬ વર્ષીય યુવાનને મુક્ત કર્યો હતો. બુલઢાણા જિલ્લાની ખામગાંવ સેશન્સ કોર્ટે કેસમાંથી મુક્તિનો ઈનાકર કરતા આદેશને યુવાને પડકાર્યો હતો.
સેશન્સ કોર્ટે મૃતકના પિતાના નિવેદનને ધ્યાનમાં લીધું હતું ક અરજદારે તેમની પુત્રીના માનસિક તણાવમાં મૂકી હતી. લાંબો સમય સુધી પ્રેમ સંબંધ રાખ્યા બાદ ઓચિંતું બ્રેક અપ કરી લીધું હતું હકીકતમાં અન્ય યુવતી સાથે તેના સંબંધ હતા. કોર્ટે સ્યુસાઈડ નોટને પણ ધ્યાનમાં લીધી હતી જેમાં તેના પ્રેમભંગને લીધે માનસિક વેદનાનો ઉલ્લેખ કર્યો હતો.