વરલીમાં બીએમડબલ્યુ કાર નીચે મહિલાને કચડી ભાગેલા સમીર સામે લૂક આઉટ નોટિસ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
વરલીમાં બીએમડબલ્યુ કાર નીચે મહિલાને કચડી  ભાગેલા સમીર સામે લૂક આઉટ નોટિસ 1 - image


મિહિર શાહ વિદેશમાં નાસી જવાની શક્યતા

શિવસેના નેતા અને ડ્રાઇવરની ધરપકડ બાદ ફરાર મિહિરને પકડવા પોલીસે 11 ટીમ બનાવી

મુંબઇ :  વરલીમાં બીએમડબલ્યુ કારે સ્કૂટરને અડફેટમાં લેતા એક મહિલાના મોત અને તેના પતિને ઇજા થવાના કેસમાં મુંબઇ પોલીસે સત્તાધારી શિવસેના નેતાના ૨૪ વર્ષીય ફરાર પુત્ર મિહિર શાહ સામે લુક આઉટ સર્ક્યુલર બહાર પાડયું છે. તેને પકડવા પોલીસની ૧૧ ટીમ બનાવવામાં આવી છે. બીજી તરફ આ કેસમાં આરોપી મિહિરના પિતા રાજેશ શાહ અને ડ્રાઇવરની ધરપકડ કરાઇ હતી. અકસ્માત વખતે મિહિર દારૃના નશામાં હોવાનું કહેવાય છે. તે દેશની બહાર પલાયન થઇ જાય એવી શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ વધુ સતર્ક બની ગઇ છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના શિવસેનાના પાલઘરનાં નેતા અને આરોપી મીહિરના પિતા રાજેશ શાહ તથા તેના ડ્રાઇવર રાજઋષિ બિદાવતની અકસ્માત બાદ આરોપીને ભાગી જવામાં મદદ કરવા બદલ રવિવારે વરલી પોલીસે ધરપકડ કરી હતી. બંનેને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે રાજેશને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી આપી હતી. જો કે પછી તેને જામીન મળી ગયા હતા તેનો ડ્રાઇવર પણ આ કેસના આરોપી છે. તેને મંગળવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

વરલી કોલીવાડામાં રહેતા પ્રદીપ નાખવા અને તેની પત્ની કાવેરી સાથે રવિવારે સવારે ૫.૩૦ ક્રાફર્ડ માર્કેટથી માછલી અને સ્કૂટર પર ઘરે પરત ફરી રહ્યા છે ત્યારે સ્પીડમાં આવતી  બીએમડબલ્યુ કારે પાછળથી સ્કૂટરને ટક્કર મારતા દંપત્તી ગંભીર ઇજા થઇ હતી. કારચાલક બે કિ.મી. સુધી કાવેરીને ઢસેડી ગયો હતો. પતિ- પત્નીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ કાવેરી મૃત્યુ પામી હતી.

આ દુર્ઘટના પછી મિહિર બાંદરા- વરલી સી લિંક તરફ કાર દોડાવી ગયો હતો. કારમાં તેની બાજુમાં ડ્રાઇળર બિદાવત બેસેલો હતો. બાંદરાના કલાનગરમાં કાર અને ડ્રાઇવરને છોડીને મિહિર નાસી ગયો હતો. 

બીજી કાર લઇને મિહિર બોરીવલી તરફ ગયો હતો ત્યાં તેની ગર્લફ્રેન્ડના ઘરે રોકાયો હતો. પછી  તેનો પત્તો લાગ્યો નથી. બોરીવલી વિસ્તારમાં તેનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો.  મુંબઇની બહાર ભાગી જાય એવી શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસની ટીમોને ગુજરાત અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી છે. પોલીસ પાલઘરના તેના નિવાસસ્થાને પણ ગઇ હતી. પરંતુ ત્યાં તાળુ મારેલું હતું. 

અધિકારીએ જણાવ્યું હતું કે ફરાર મિહિર શાહ દેશ છોડીને ભાગી જાય એવી શક્યતા હોવાથી તેની વિરુદ્ધ એલઓસી જારી કર્યું છે. પોલીસને શંકા છે કે અકસ્માત સમયે મિહિર દારૃના નશામાં હતો. કેમ કે તે ઘટનાના થોડા સમય પહેલા જૂહુ વિસ્તારમાં એક બારમાં જોવા મળ્યો હતો પોલીસે બારનું રૃા. ૧૮ હજાર બિલ પણ પુરાવા તરીકે મેળવી લીધું છે. અને તેની તપાસણી થઇ રહી છે. બારના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. 

આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ૧૦૫ અને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં પુણેના પોર્શે કાર અકસ્માતથી રાજ્યભરમાં ચકચાર જાગી હતી. ૧૭ વર્ષીય તરુણે દારૃના નશામાં બેફામપણે પોર્શે કાર દોડાવીને બાઇકને અડફેટમાં લેતા યુવક, યુવતી મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. આ ગુનામાં મદદ કરવા બદલ તરુણના માતા, પિતા, દાદા, સસૂન હોસ્પિટલના બે ડોક્ટર, કર્મચારી સહિત અન્યની ધરપકડ કરવામાં આવી હતી.



Google NewsGoogle News