સીએ અંબર દલાલ સામે લુક આઉટ નોટિસ : 1000થી વધુ રોકાણકાર સાથે કરોડોની છેતરપિંડી
મુંબઇ પોલીસના આર્થિક ગુનાશાખાએ
રોકાણ પર મહિને 1.5થી 1.8 ટકાના વળતરની ખાતરી આપી પૈસા પડાવ્યા
મુંબઇ : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ કન્સટલટન્ટ અંબર દલાલ દ્વારા ચલાવવામાં આવતી પોન્ઝી સ્કીમની તપાસ મુંબઇ પોલીસના આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી છે. દેશમાંથી દલાલ ભાગી ન જાય માટે તેની સામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં લગભગ ૨૦૦ રોકાણકારોએ પોલીસનો સંપર્ક કરી અંદાજે રૃા. ૧૦૦ કરોડની છેતરપિંડીનો આરોપ કર્યો છે, પરંતુ આ આંકડો અનેક ગણો વધી શકે છે કેમ કે વધુ પીડિતો પોલીસનો સંપર્ક કરી રહ્યા છે. રોકાણકારો ફક્ત ભારતના જ નથી. યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, ચીન અને દુબઇના વિદેશી નાગરિક પણ તેનો શિકાર બન્યા છે.
સૌ પ્રથમ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ૧૫ માર્ચના કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે ડઝનેક રોકાણકાર સાથે રૃા. ૫૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ કરાઇ હતી.
જુહુની ફેશન ડિઝાઇનર મહિલાની ફરિયાદ મુજબ એક મિત્રએ તેની ઓળખાણ દલાલ સાથે કરાવી હતી. તેણે રોકાણ પર આકર્ષક નફો આપવાની ઓફર કરી હી. દલાલે દાવો કર્યો હતો કે તે પૈસા વિવિધ કોમોડિટીમાં રોકાણ કરી નફા પર વળતર પેટે મહિને ૧.૫થી ૧.૮ ટકા રૃપિયા આપશે. દલાલે પારદર્શિતાની ખાતરી આપતા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર સહી કરવાનું કહ્યું હતું.
આમ ફેશન ડિઝાઇનરે તેના પર વિશ્વાસ કરીને એપ્રિલ ૨૦૨૩થી માર્ચ, ૨૦૨૪ દરમિયાન દલાલની કંપનીમાં રૃા. ૫૪.૪૫ લાખનું રોકાણ કર્યું હતું. તેણે શરૃઆતમાં ઇન્વેસ્ટમેન્ટ પર વળતર આપ્યું હતું. માર્ચ, ૨૦૨૪થી કંપનીએ ચૂકવમીમાં ડિફોલ્ટ કરવાનું શરૃ કર્યું હતું. અન્ય રોકાણકારને પણ વળતર આપવાનું બંધ કર્યું હતું. બીજી તરફ ૧૪ માર્ચથી દલાલ ફરાર હોવાની લોકોને જાણ થતા પોલીસનો સંપર્ક કર્યો હતો. એવું કહેવાય છે કે ૧,૦૨૩થી વધુ લોકોએ દલાલની સ્કીમમાં રૃા. ૧૦લાખથી રૃા. ૧૦ કરોડનું રોકાણ કર્યું હતું.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આર્થિક ગુના શાખાને તપાસ સોંપવામાં આવી છે. તેમણે દલાલને પકડવા લુક આઉટ નોટિસ બહાર પાડી છે.