એપ દ્વારા લોનમાં દેવું થઈ જતાં ભાણેજે પ્રેમિકા સાથે મળી મામાના ઘરે લૂંટ કરી
મીરા રોડમાં પરોઢે બુરખા પહેરી ઘરમાં ઘૂસ્યા, 10 લાખ લઈ ગયા
દિવ્યાંગ મામા અને મામી ને પિસ્તોલની અણીએ ડરાવી બાંધી દીધા, 5 જ મિનિટમાં લૂંટને અંજામ આપી ફરાર
મુંબઈ : મીરા રોડમાં એક વિચિત્ર ઘટના બની છે જ્યાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડની મદદથી તેના જ મામાને નકલી બંદૂક દેખાડીને ધમકાવીને લુટી લીધા હતા. ભાણેજે ે 'લોન એપ' પર લોન લીધી હોવાથી તેનું કરજું ઉતારવા માટે ૧૦ લાખ રૃપિયા લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભાણજ ે પોતાના મામાને લૂંટવા માટે અન્ય તેના બે સાથીદારો સાથે બુરખો પહેરીને નકલી બંદુક દેખાડીને ઘરમાં ઘુસી ગયો હતો. આરોપીના મામા દિવ્યાંગ હોવાથી તેણે એનો ફાયદો લીધો હતો. આ પ્રકરણે કાશીગાંવ પોલીસે તપાસ કરી આ યુવક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
મીરા રોડ-ઈસ્ટનાકાશીગામ વિસ્તારમાં આવેલાં જનતા નગરમાં રહેતાં ૨૯વર્ષનાઆદિલ અહમદ તેની પત્ની અને બે ભાઈઓ સાથે રહે છે. તેમની પાસે અમૂલ દૂધની એજન્સી છે. તેઓ કંપનીમાંથી દૂધ ખરીદે છે અને તેનું વિતરણ કરે છે. આદિલ દિવ્યાંગ હોવાથી તે પોતે વિતરણ માટે જતા નથી.
સોમવારે, સવારે ચાર વાગ્યાની આસપાસ આદિલના બન્ને ભાઈઓ દૂધ પહોંચાડવા ગયા હતા. તે સમયે આદિલ અને તેની પત્ની ઘરમાં એકલા હતા. અચાનક,ત્રણ અજાણ્યા બુરખો પહેરીને આવ્યા અને દરવાજો ખોલીને ઘરમાં ઘુસી ગયા હતા.ત્રણ બુરખો પહેરેલાં અજાણ્યાવ્યક્તિઓમાંથી એક મહિલા અને બે પુરુષ હતા. ઘરમાં ઘુસીને તેમણે આદિલ અને તેની પત્નીને બંદૂકની અણી પર બાંધી દીધા હતા. તેમ જ ઘરમાં રહેલી ૧૦ લાખ રૃપિયાની રોકડ શોધી અને લઈને ભાગી ગયા હતા. આ લૂંટમાં તેમને ફક્ત પાંચ જ મિનિટ લાગી હતી.
આરોપીઓ કેવી રીતે પકડાયા?
બંદુકની અણીએ પર ચોરી કરવામાં આવી હોવીથી પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. એથી ચોરોને શોધવા માટે કાશીગાંવ પોલીસે ટીમો બનાવી હતી. પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી દ્વારા આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. આરોપી ઘરની બહાર નીકળીને રિક્ષામાં બેસી ગયા હતા. તે રિક્ષામાંથી થોડે દૂર એક વાહનમાં બેસીને જતાં જોવા મળ્યાં હતા. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે કારની નંબર પ્લેટ મેળવી તેના માલિકને શોધી કાઢયો હતો. તે કાર બદલાપુરના એક વ્યક્તિની હોવાનું જણાય આવ્યું હતું. તેણેઆ કાર નયા નગરના એક વ્યક્તિને વેંચી દીધી હતી. નયા નગરના વ્યક્તિએ તે કાર નાલાસોપારાના ૨૩ વર્ષનાઝુબેર નામના યુવકને વેંચી હતી. પોલીસ જ્યારે યુવક પાસે ગઈ તો પોલીસ પણ આઘાત પામી હતી. એનું કારણ એ હતું કે તે યુવક ફરિયાદ કરનાર મામાનો સગો ભાણેજ જ નીકળ્યો હતો. કાશીગાંવ પોલીસ સ્ટેશનના વરિ પોલીસ અધિકારીએ 'ગુજરાત સમાચાર'ને માહિતી આપી હતી કે, તપાસ વખતે જાણવા મળ્યું હતું કે તેણે તેની પ્રેમિકાની મદદથી આ લૂંટની યોજના બનાવી હતી.
લૂંટમાં રમકડાંની બંદુકનો ઉપયોગ, પ્રેમિકા તથા કાકાના સાથ લીધો
લોન એપના માધ્યમથી આજકાલ લોન મળી રહે છે. એથી આરોપી ઝુબેરે પણ આ લોન એપ પરથી લોન લીધી હતી. આ લોન પર કરજું થતાં તેની રકમ આઠલાખ રૃપિયા થઈ ગઈ હતી. જેથી તેને ચુકવવા માટે ધમકીઓ પણ મળી રહી હતી. આ દેવું ચૂકવવા તેણે મામાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તેણે રમકડાની બંદૂક ખરીદી હતી. તેની સાથે આ પ્લાનમાં મદદ કરનાર તેની ૨૧ વર્ષીય ગર્લફ્રેન્ડઇકરાર અને ૩૦ વર્ષીયકાકા કામરાન પણ જોડાયા હતા. ત્રણેય બુરખો પહેરીને ઘુસ્યા હતા. પરંતુ, કાશીગાંવ પોલીસે તાત્કાલિક તપાસ કરી માત્ર ૩૬ કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.