બોગસ દસ્તાવેજોના આધારે બારોબાર લોનનું કૌભાંડઃ અઢી કરોડની 12 કાર જપ્ત

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
બોગસ દસ્તાવેજોના આધારે બારોબાર લોનનું કૌભાંડઃ અઢી કરોડની 12 કાર જપ્ત 1 - image


મુંબઈની ટોળકીએ મહારાષ્ટ્ર, ગુજરાત , એમપીમાં અનેકને શિકાર બનાવ્યા

7 જણની ગેંગે નાલાસોપારાના વેપારી દંપતીને શીશામાં ઉતાર્યું : ભળતા નામે પવઈની હોટલોમાં રહેતો સૂત્રધાર રાહુલ શાહ ઝડપાયોઃ 

મીર ભાયંદર, મુંબઈ,તા.૧૮

લોન લેવાની જરુરીયાત ધરાવતા લોકોનો સંપર્ક કરી તેમના દસ્તાવેજો મેળવી લઈ તેના આધારે લોન પર કાર મેળવી બારોબાર વેચી મારવાનું આંતરરાજ્ય રેકેટ મુંબઈ નજીકના નાલાસોપારામાં પકડાયું છે. રાહુલ ગિરીશ શાહ નામના સૂત્રધાર તથા તેની ગેંગે આ રીતે કરોડો રુપિયાની  કાર ખરીદી બારોબાર વેચી મારી હતી અને આ કારોની લોન ચૂકવાઈ ગઈ હોવાના બનાવટી દસ્તાવેજો પણ સંબંધિત આરટીઓમા જમા કરાવ્યા હતા. પવઈની હોટલમાં સુરેશ ગોપાલ ભગતના નામનું બનાવટી આધાર કાર્ડ  રજૂ કરીને રહેતા  રાહુલ શાહ પાસેથી ફેક આધાર કાર્ડ સહિતની ચીજ વસ્તુઓ મળી આવી છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાતના વડોદરા તથા અંકલેશ્વર સહિતના શહેરોમાં પણ અનેક લોકો આ ગેંગનો ભોગ બન્યા હોવાની શંકા છે. 

નાલાસોપારામાં કરિયાણાની દુકાન ચલાવતાં એક વેપારી દંપતીને આ ઠગ ટોળકી ભટકાઈ ગઈ હતી. ઠગોએ તેમની પાસેથી દુકાનને લગતા તથા બીજા કેટલાક અંગત દસ્તાવેજો ેમેળવ્યા હતા અને તેમને બે કરોડની લોન પોતે બેન્કોમાંથી અપાવી દેશે તેવી ખાતરી આપી હતી. તેમણે અનેક બેન્કોમાં પોતાના સારા સંપર્કો હોવાનો રોફ છાંટયો હતો. 

થોડા સમય બાદ આ વેપારી દંપતીને જાણ થઈ હતી કે તેમના નામે બીએમડબલ્યૂ, મહિન્દ્રા થાર, ટોયોટા  સહિતની બ્રાન્ડઝની કાર ખરીદવામાં આવી છે. આ દંપતીના દસ્તાવેજોનો ઉપયોગ કરી કાર લોન લેવાઈ હતી. બાદમાં આ કારો બારોબાર વેચી દેવાઈ હતી. આરોપી ગેંગે લોન ભરાઈ ગયાના દસ્તાવેજો પણ બનાવ્યા હતા અને આ દંપતીના બોગસ ઈમેઈલ આઈડી સહિતના પુરાવા પણ ઊભા કર્યા હતા. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન-૨, વસઈ) પૂર્ણિમા ચૌગુલે શ્રૃંગીએ જણાવ્યું હતું કે 'આ ટોળકી પાસેથી બીએમડબલ્યુ, મહિન્દ્રા થાર, ટોયોટા, જેવી રૃા.૨.૩૪ કરોડની ૧૨  કાર  જપ્ત કરવામાં આવી છે.

ગયા સપ્ટેમ્બર માસમાં થયેલી ફરિયાદ બાદ પોલીસે મુખ્ય આરોપી રાહુલ શાહની ભાળ મેળવી હતી. તે પવઈની એક હોટલમાં રોકાયો હોવાની જાણ થતાં પોલીસે ત્યાં દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. 

 રાહુલ  કર્ણાટક, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને પાડોશી દેશ નેપાળમાં ફરવા માટે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરતો હતો. પોશ હોટેલોમાં રહીને રેકેટ ચલાવતો હતો. તાજેતરમાં તેને પવઈની એક હોટેલમાંથી પકડવામાં આવ્યો હતો. તેની પાસેથી ફેક આધાર કાર્ડ, નેપાળના એક સહિત નવ સિમ કાર્ડ, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, બેન્કનું નકલી એનઓસી મળી આવ્યા હતા.રાહુલની સાથે ઝડપાયેલા અન્ય લોકોમાં વિજય સિંગ, ભીખાજી ગોપાલે, મોહમ્દન નઝર, પ્રવીણ જૈન, આકાશ મુસળે અને વિવેક કરંડેનો સમાવેશ થાય છે. 

આ ગેંગ લોનની જરૃરિયાત ધરાવતા લોકોને ટાર્ગેટ કરતી હતી. તેઓ ઘણી બેન્કોમાં સંપર્ક ધરાવતા હોવાનો દાવો કરતા હતા. પીડિતોના દસ્તાવેજોના આધારે લોન મેળવી કિંમતી કાર ખરીદતા હતા. પછી બનાવટી દસ્તાવેજોના આધારેે લોનની ચૂકવણી કરી દીધી હોવાનું દર્શાવતા હતા, એમ પોલીસે કહ્યું હતું.  ગેંગના સાગરિતે  મુંબઈ, થાણે, ભોપાલના રહેવાસી છે. તેઓ મુંબઈ, આરોપી,થાણે, શિળડાયઘર, ગુજરાતના વડોદરા, અંકલેશ્વરમાં ગુનામાં સંડોવાયેલા હતા, એમ ડીસીપીએ જણાવ્યું હતું.



Google NewsGoogle News