ભાયંદરમાં મતદારોને વહેંચવાના દારુ અને માછલીનો જથ્થો જપ્ત
- રીક્ષામાંથી ૧૯૨ બોટલો અને ૪ કિલો માછલી મળ્યાં
- આરોપી ગીતા જૈનનો કાર્યકર હોવાના આરોપઃ જોકે ગીતા જૈનના સમર્થકો દ્વારા રદિયો
મુંબઈ : ભાયંદરના દેવલ નગર વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં વહેચવામાં આવતા વિદેશી દારૃ અને માછલીનો જથ્થો ભાયંદર પોલીસે જપ્ત કર્યો છે. આ મામલામાં રિક્ષાચાલકની સાથે રાજકીય પક્ષના કાર્યકર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ, આ કાર્યકર અપક્ષ ઉમેદવાર ગીતા જૈનના હોવાના આક્ષેપોથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. જોકે તેમના સમર્થકોએ આક્ષેપ નકારી કાઢયો છે.
ભાયંદર પોલીસને માહિતી મળી હતી કે ભાયંદર-વેસ્ટના ગણેશ દેવલ નગર વિસ્તારમાં વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં દારૃ અને માછલીનું વિતરણ કરવામાં આવશે. તદનુસાર, ભાયંદર પોલીસની એક ટીમ તપાસ માટે ગણેશ દેવલ નગર વિસ્તારમાં ખાડી કિનારે ગઈ હતી. ત્યારે તેઓએ એક રિક્ષાને શંકાસ્પદ રીતે જોતા આ રિક્ષાની તપાસ કરતા તેમાંથી ચાર પેટીઓમાંથી ૧૯૨ દારૃની બોટલો અને ૪ કિલો માછલી મળી આવી હતી.
આ અંગે રિક્ષા ચાલક લાલજી રાજભરને પૂછતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ઈરફાન પઠાણ નામના વ્યક્તિની કહેવાથી મીરારોડથી દારૃ અને માછલી લાવ્યો હતો. આ કેસમાં પોલીસે દારૃ અને માછલીનો જથ્થો જપ્ત કર્યો હતો અને રિક્ષા ચાલક લાલજી રાજભર અને ઈરફાન પઠાણ વિરુદ્ધ મહારાષ્ટ્ર દારૃ પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ભાયંદર પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. આ મામલા બાદ રાજકીય માહોલ ગરમાયો છે.
આ જથ્થો વર્તમાન ધારાસભ્ય અને હાલ અપક્ષ લડી રહેલાં ગીતા જૈનના કાર્યકરનો હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે, ગીતા જૈનના સમર્થકોએ સાફ સાફ જણાવ્યું હતું કે આરોપી ગીતા જૈન માટે કામ કરતો નથી.