બોરીવલી નેશનલ પાર્કમાં 14 વર્ષે સિંહબાળનો જન્મ
મુંબઈના પ્રાણી પ્રેમીઓમાં હરખ
સાસણ ગીરથી લાવવામાં આવેલી માનસ-માનસી નામધારી સિંહ-સિંહણની જોડીના સિંહબાળનો જન્મ
મુંબઈ - બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાં ૧૪ વર્ષ પછી સિંહબાળનો જન્મ થયો છે. માનસી નામની સિંહણે ગુરુવારે રાત્રે સિંહબાળને જન્મ આપ્યો હતો.
ગુજરાતના સાસણ ગીરના જંગલમાંથી બે વર્ષ પહેલા બોરીવલી નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી માનસ અને માનસી નામધારી સિંહ-સિંહણની જોડી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.
સિંહ-સિહણની આ જોડીને ૨૦૨૨માં નેશનલ પાર્કમાં લાવવામા ંઆવી હતી. જોકે આ જોડી સાથે નહોતી રહેતી. ત્યાર બાદ માનસી બીમાર પડી હતી. સારવાર આપી સાજી કરવામાં આવ્યા બાદ પાર્કની ટીમે માનસ-માનસીનો ફરી મિલાપ કરાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ પ્રયાસ સફળ થયો હતો. ૨૦૨૪માં ખબર પડી હતી કે માનસી ગર્ભવતી છે. આખરે ગુરુવારે સારા સમાચાર મળ્યા હતા કે સિંહણે સિંહબાળને જન્મ આપ્યો છે. અત્યારે સિંહણ અને સિંહબાળ પ્રાણીના ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને બન્નેની તબિયત સ્વસ્થ છે એવું પાર્કના સત્તાવાળાએ જણાવ્યું હતું.
આ પહેલા સાસણ ગીરથી ૨૦૦૯માં રવિન્દ્ર-શોભા નામની સિંહ-સિહણની જોડીને નેશનલ પાર્કમાં લાવવામાં આવી હતી. શોભાનું થોડા વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. ત્યાર પછી ૨૦૨૧માં રવિન્દ્ર અને ગોપા નામના સિંહ મૃત્યુ પામ્યા હતા. છેલ્લે ૨૦૨૨માં જેપ્સા નામની સિંહણનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ માનસ-માનસીની જોડી નેશનલ પાર્કમાં લાવવામાં આવી હતી.