બોરીવલીમાં નિવૃત્ત બેન્ક કર્મચારી મહિલાની હત્યાના અરોપીને જન્મટીપ

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
બોરીવલીમાં નિવૃત્ત બેન્ક કર્મચારી મહિલાની હત્યાના અરોપીને જન્મટીપ 1 - image


ભાડૂઆતના વિવાદને પગલે ચાકુથી પ્રહાર કરી હત્યા

જે ફ્લેટમાં ભાડે રહેતા એ ફ્લેટ આરોપીના ભાઈએ  મકાનમાલિકને વેંચ્યો હતો

મુંબઇ: બોરીવલીની ઈમારતમાં ૨૦૧૬માં ભાડૂઆતને મુદ્દે થયેલા વિવાદમાં ૫૯ વર્ષની નિવૃત્ત બેન્ક કર્મચારીની હત્યાના કેસમાં ૫૧ વર્ષના બેરોજગાર આરોપીને કસૂરવાર ઠેરવીને સેશન્સ કોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી. કેસમાં મૃતકની પુત્રી સાક્ષીદાર હતી અને તેણે જુબાની આપી હતી કે કઈ રીતે તેની માતાને વાળ પકડીને ચાકુ ભોંક્યું હતું.

મૃતક વનીતા મેન્ડન અને પુત્રી પૂજા મેન્ડન સાંજે  બજારમાંથી પાછા આવ્યા ત્યારે આરોપી રાજેશ રાઠોડ વનીતાની પાછળ આવ્યો અને હત્યા કરી હતી.

રાઠોડને કસૂરવાર  ઠેરવીને એડિશનલ સેશન્સ જજ દત્તા ઢોબળેએ જણાવ્યું હતું કે મૌખિક જુબાની અને દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપીએ ગુનો આચર્યો હોવાનું નિશંકપણે પુરવાર થાય છે. માતા અને પુત્રી ભાડાના ફ્લેટમાં રહેતા હતા. મકાન માલિકે આરોપીના ભાઈ પાસેથી આ ફ્લેટ ખરીદ્યો હતો. એવો આરોપ હતો કે આરોપીએ ફ્લેટના વેચાણ સામે વાંધો ઉઠાવ્યો હતો. આરોપીએ ગુનો આચર્યા બાદ પોલીસમાં શરણાગતિ સ્વીકારી હોવાનો સરકારી પક્ષનો દાવો હતો જ્યારે તેણે કોર્ટમાં જણાવ્યું હતું કે તેને ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે.

સરકારી વકિલે તપાસેલા ૧૧ સાક્ષીદારોમાં બે પાડોશી હતા જેમાંથી એક નજરે જોનાર સાક્ષીદાર હતું અને અન્યોએ આરોપીને ચાકુ સાથે  જોયો હતો. 

મૃતકની પુત્રી પૂજાના જણાવ્યા અનુસાર એક્સર નીલકમલ સોસાયટીના ત્રીજા માળે તેઓ રહેતા હતા. સાંજે ૬.૧૫થી ૬.૩૦ દરમ્યાન આ ગુનો આચરાયો હતો. બોરીવલી સ્ટેશનની બજારેથી માતા સાથે તે પાછી ફરી રહી હતી. પોતે ત્રીજા માળે પહોંચી ગઈ હતી અને માતા હજી નીચે હતી. ફ્લેટનો દરવાજો ખોલવાની જ હતી ત્યાં માતાની બૂમો સંભળાઈ હતી આથી તે નીચે ગઈ હતી. તેણે જોયું હતું કે આરોપી તેની માતાના વાળ એક હાથ પકડયા હતા અને બીજા હાથમાં ચાકુ હતું. તેની માતા પાસે મિલકતના કાગળીયા માગી રહ્યો હતો. પૂજા અને તેની માતાએ તેને એજન્ટ સાથે વાત કરવા જણાવ્યું હતું. જેમતેમ પૂજા અને તેની માતા ફ્લેટ સુધી પહોંચ્યા પણ આરોપી તેમની પાછળ આવ્યો હતો. એક પાડોશીએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો પણ તેને ધમકાવી હતી. પૂજાએ ફ્લેટનો દરવાજો ખોલ્યા બાદ આરોપીએ તેની માતાને છાતીમાં બે વાર ચાકુના પ્રહાર કર્યા હતા. 


Google NewsGoogle News