ચીઝને બદલે વેજિટેબલ ઓઈલ વાપરતા મેકડોનાલ્ડ આઉટલેટનું લાયસન્સ સસ્પેન્ડ
મલ્ટીનેશનલ કંપનીનું ધુપ્પલ , ગ્રાહકોને આ નકલી ચીઝ હોવાની જાણ ન કરી
ચીઝ બર્ગર, ચીઝી ડીપ, ચીઝી કેક નામ પણ તેમાં ઓરિજિનલ ચીઝ જ ગાયબઃ મહારાષ્ટ્ર એફડીએની કાર્યવાહી
મુંબઇ : ગ્રાહકોને ચીઝ બર્ગર, ચીઝ કેક, ચીઝી ડીપ સહિતની આઈટમોમાં ઓરિજિનલ ચીઝને બદલે વેજિટેબલ ઓઈલની પ્રોડક્ટ વાપરતી મલ્ટીનેશનલ ફાસ્ટ ફૂડ જાયન્સ કંપની મેકડોનાલ્ડના અહમદનગર સ્થિત આઉટલેટનું લાયસન્સ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. એફડીએના જણાવ્યા અનુસાર કંપનીએ વાસ્તવમાં ગ્રાહકોને પોતે ઓરિજિનલ ચીઝને બદલે અન્ય તૈલી પદાર્થોના બનેલા નકલી ચીઝનો ઉપયોગ કરી રહી હોવાનું સ્પષ્ટ રીતે જણાવવાનું જરુર હતી. પરંતુ, કંપનીએ તેનાં ફૂડ લેબલિંગમાં આવી કોઈ દરકાર લીધી ન હતી અને ગ્રાહકો પોતે ભરપૂર ચીઝ ધરાવતી આઈટમો જ આરોગી રહ્યા છે તેમ માની ગેરમાર્ગે દોરાયા હતા.
ફાસ્ટ ફૂડ ઈન્ડ્સ્ટ્રીઝમાં ચીઝ એનાલોગ્ઝ એટલે કે સ્વાદ, સંરચના તથા ઉપયોગની રીતે ચીઝ જેવાં જ લાગે તેવી ખાદ્યસામગ્રી વપરાતી હોય છે. અનેક ફાસ્ટફૂડ ચેઈન્સ તેનો ઉપયોગ કરે છે. આ નકલી ચીઝ વાસ્તવમાં વેજિટેબલ ઓઈલ જેવા પદાર્થમાંથી બનાવવામાં આવતાં હોય છે. કોઈપણ ફાસ્ટફૂડ ચેઈને પોતાની ફૂડ આઈટમમાં ચીઝ શબ્દનો ઉપયોગ કરતી વખતે તેના લેબલિંગમાં ગ્રાહકોને સ્પષ્ટ રીતે અને મોટા ફોન્ટમાં જણાવવાનું અનિવાર્ય છે કે તેઓ ડેરી ચીઝ નહીં પણ ચીઝ એનાલોગ્ઝ એટલે કે નકલી ચીઝનો ઉપયોગ કરી રહ્યા છે.
કેગગાવ શાખામાં ચીઝના સ્થાને વિકલ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની જાણ રેસ્ટોરન્ટમાંના ઇલેક્ટ્રોનિક ડિસપ્લે બોર્ડમાં અથવા લેબલમાં કરવામાં ન આવી હોવાથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે તેવું એફડીએનું કહેવું છે. ચીઝમાંથી નહીં પણ વિવિધ આઇટમ ચીઝ એનોલોગ્સમાંથી બનાવવામાં આવ્યું છે તેવું સ્પષ્ટ લેબલિંગ હોવું જોઇએ. અને અક્ષરોના ફોન્ટ મોટા હોવા જોઇએ અને જુદા કલરમાં લખાવું જોઇએ તેવો આદેશ એફડીએ કમિશ્નરે આપ્યો હતો. આ પ્રકારની આઇટમોમાં ચરબી, પ્રોટીન વિગેરેની પોષક તત્વોની માહિતી જણાવવી જોઇએ તેવું આદેશમાં કહેવામાં આવ્યું હતું. ઇલેક્ટ્રોનિક ડિસપ્લે બોર્ડની કુલ સ્પેસમાંથી ૪૦ ટકામાં પોષક તત્વોની માહિતી આપવી જોઇએ.
મેનુ કાડર્સમાં એનાલેગ્સનો ઉપયોગ થયો છે તેવું જણાવવું જોઇએ. કોઇ ગ્રાહકને એલર્મ હોય અથવા વેજિટેબલ ઓઇલમાં ટ્રાન્સફેટ વધુ હોવાથી મેદસ્વી વ્યક્તિઓ ખાવા ન માગતા હોય તેવું બની શકે છે આથી તે સંભાવનાને ધ્યાનમાં લઇ મેનુકાર્ડમાં જણાવવું જરૃરી છે.
ફૂડ એન્ડ ડ્રગ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મેકડોનાલ્ડના અન્ય આઉટલેટ્સ તથા અન્ય કંપનીઓના ફાસ્ટફૂડ આઉટલેટ્સમાં પણ આ નિયમનો યોગ્ય રીતે અમલ થાય છે કે કેમ તેની તપાસ હાથ ધરાશે.
એફડીએની નોટિસ બાદ આ આઉટલેટ દ્વારા ચીઝને બદલે ચીઝી શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જોકે, કંપનીની આ કાર્યવાહીને એફડીએએ માન્ય રાખી ન હતી અને તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું.