સોશિયલ મિડીયા પરથી ચાવી વગર બાઈક ચાલુ કરવાનુ શીખી ચોરી
ભાડુંપ પોલીસે શિખાઉ ચોરની ધરપકડ કરી
નાલાસોપારાના ઉચ્ચ શિક્ષિત યુવાને થોડા પૈસા કમાવા માટે ટ્રિક શીખી ચોરી શરુ કરી
મુંબઇ : મુંબઈમાં ઉચ્ચ શિક્ષિત બેરોજગાર યુવકે સોશિયલ મિડીયા પરથી ચાવી વગર બાઈક કઈ રીતે શરુ કરવી આ શીખીને ભાંડુપમાંથી બે બાઈકની ચોરી કરી હતી. આ મામલે પોલીસે યુવકની ધરપકડ કરી હતી અને બંને ટુ વ્હીલરો જપ્ત કર્યા હતા.
૨૭ વર્ષીય આકાશ નાલાસોપારાનો રહેવાસી છે. આકાશ ઉચ્ચ શિક્ષિત છે અને ઘણા વર્ષોથી બેરોજગાર હતો. તે આખો દિવસ પોતાના મોબાઈલ પર સોશિયલ મિડીયા પરના વિવિધ વિડીયો જોવામાં જ તેનો સમય પસાર કરતો રહેતો હતો.
આ દરમિયાન તેણે ચાવી વગર ટુ વ્હીલર કઈ રીતે ચાલુ કરવું, તેની માહિતી સોશિયલ મિડીયા પરથી મેળવી હતી. માહિતી મેળવ્યા બાદઆકાશે ભાંડુપ વિસ્તારમાંથી રાત્રિના સમયે જ્યાં ટુ વ્હીલરો પાર્ક કરવામાં આવતા હતા તે વિસ્તારમાં રેકી કરીને થોડા પૈસા કમાવવા માટે બે ટુ વ્હીલર ચોરી કર્યા હતા.
આ ઘટના બાદ, ભાંડુપ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાતા. ફરિયાદના આધારે પોલીસે તેની તપાસ હાથ ધરતા આ વિસ્તારના સીસીટીવી કેમેરા ફુટેજ તપાસ્યા હતા. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે ચોરની ઓળખ કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે નાલાસોપારાથી આકાશની ધરપકડ કરવામાં આવી હતી અને ચોરાયેલ બે બાઈકો પણ જપ્ત કરવામાં આવી હતી.
પોલીસે આ મામલે આકાશ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.