સગીરા પર બળાત્કાર, હત્યાના કેસમાં દંપતીનો બચાવ નહીં કરવા વકિલોનો નિર્ણય
- કલ્યાણની ઘટનાને લઈ રોષે ભરાયેલા બાર અસોસિયેશનનો ઠરાવ
- આરોપી સામે આઠ ગુનાની નોંધ હોવાની પોલીસની માહિતી
મુંબઈ : થાણે ડિસ્ટ્રીક્ટ કોર્ટના બાર એસોસિયેશને ૧૨ વર્ષીય કિશોરીના બળાત્કાર અને બાદમાં તેની બર્બરતાપૂર્વક હત્યા કરવાના કેસમાં આરોપી વિશાલ ગવળી અને તેની પત્ની સાક્ષી વતી સંગઠનમાંથી કોઈએ વકાલતનામું લેવું નહીં એવી સૂચના જાહેર કરી છે.
૨૩ ડિસેમ્બરે ગવળીએ પત્નીની મદદથી કલ્યાણમાં ચક્કીનાકા વિસ્તારમાંથી કિશોરીનું અપહરણ કર્યું હતું અને જાતીય અત્યાચાર કરીને તેની હત્યા કરી હતી.દંપતીએ બાદમાં કલ્યાણ પડઘા રોડ પર બાપગાંવમાં મૃતદેહ ફેકી દીધો હતો.
વકિલોને કોર્ટમાં દંપતીનો બચાવ નહીં કરવાની નોટિસ બારરૂમમાં લગાવવામાં આવી છે, એમ સંગઠનના પદાધિકારીએ જણાવ્યું હતું.
દંપતીની ધરપકડ ૨૫ ડિસેમ્બરે કરવામાં આવી હતી અને ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો કાયદા હેઠળ હત્યાના ઈરાદે અપહરણ, બળાત્કાર અને પુરાવા નષ્ટ કરવા સહિત અન્ય ગુના હેઠળ કેસ નોંધાયો હતો.
ડોંબિવલીના માનપાડા વિસ્તારમાં કામ કરતા વિશાલ ગવળી સામે અગાઉના આઠ ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. દંપતીને બીજી જાન્યુઆરી સુધીના રિમાન્ડ અપાયા છે.
દરમ્યાન પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર તપાસ ટીમ ગુનાનું દ્રષ્ય નિર્માણ કરીને દંપતીને હત્યાના ઈરાદાને લઈ સવાલ કરી રહી છે.