કોર્ટ પર લાંછન લગાવતી અરજી પર સહી કરનાર વકિલ અવમાનને પાત્રઃ હાઈકોર્ટ
જજને કેસથી અળગા રાખવા ઈરાદાપૂર્વકના કૃત્ય સામે આદેશ
કોર્ટ પ્રત્યેની જવાબદારી અસીલો પ્રત્યેની ફરજ કરતાં પહેલી હોયઃ સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટાંકીને પોલીસને નોટિસ જારી કરવા આદેશ
મુંબઈ, તા.૨૬
જો કોઈ વકિલ જજને ચોક્કસ કેસથી અળગા રાખવા માટે કોઈ યોગ્ય કારણ વિના કૃત્રિમ પરિસ્થિતિ ઊભી કરવા કોર્ટ વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી ધરાવતી અરજી પર સહી કરશે તો તેની સામે અવમાનની કાર્યવાહી થઈ શકે છે, એમ બોમ્બે હાઈકોર્ટે બે વકિલોના અસીલો સામે અવમાનની નોટિસ જારી કરતી વખતે પુનરોચ્ચાર કર્યો હતો.
કોર્ટ પ્રત્યેની જવાબદારી અને અસીલ પ્રત્યેેની ફરજ વચ્ચેની વકિલોની કશ્મકશમાં કોર્ટ પ્રત્યેની જવબાદારી પહેલાં આવે છેે, એમ કોર્ટે જણાવ્યું હતું.વકિલોની ફરજ છે કે તેમના અસીલને આવા પ્રકારના આક્ષેપો કરવાથી દૂર રહેવાની સલાહ આપે, એમ કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને જણાવ્યું હતું.
એડવોકેટ મિનલ ચંદનાનીના જુનિયર એડવોકેટ ઝોહેબ મર્ચન્ટ મારફત કરાયેલી અરજી ન્યા. નીતિન સાંબરે અને ન્યા. બોરકરે હાથ ધરી રહી હતી. અરજી સાથે ન્યા. સાંબરે પર ચોક્કસ પક્ષને તરફેણ કર્યાના આક્ષેપો કરતા અખબારી અહેવાલને ટાંકવામાં આવ્યો હતો. કોર્ટમાં સવાલ કરવામાં આવતાં એડવોકેટ મિનલ ચંદનાનીએ અરજીનું સમર્થન કર્યું હતું. કોર્ટે નિરીક્ષણ કર્યુંહતું કે બંને વકિલોનો વ્યવહાર કોર્ટ પ્રત્યે વિવાદીત હોવાનું અને કૃત્રિમ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે જણાતાં કોર્ટે રેકોર્ડ કર્યું હતું કે વકિલોએ બિનશરતી માફી માગી છે.
કોર્ટે વકિલોના રવૈયા પર સખત વાંધો ઉઠાવીને નિરીક્ષણ કર્યુંહતંં કે રજિસ્ટ્રી પાસે તપાસ કરવામાં આવતાં જાણ થઈ હતી કે બંને વકિલોએ આ અરજી રજૂ કરી હતી અને રજિસ્ટ્રીએ આમ નહીં કરવાની સલાહ પણ આપી હતી. તેમ છતાં બંને વકિલોએ અરજી સ્વીકારવાનો આગ્રહ ધર્યો હતો.
કોર્ટે આ અનુસાર પિંપરી ચિંચવડ પોલીસ કમિશનરને પ્રતિવાદી ભીશમ પાહુજાને અવમાનની નોટિસ મળે એની તકેદારી લેવા નિર્દેશ આપ્યો છે અને જે અખબારમાં વિવાદીત લેખ છપાયો છે એની વિગત રજૂ કરવા જણાવ્યું છે.
કોર્ટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટાંક્યો હતો જેમાં જણાવાયું હતંં કે વકિલો અરજી પર સહી કરે ત્યારે કોર્ટને ખટકે તેવા અસીલની સૂચનાને છુપાવી શકે નહીં. વધુ સુનાવણી ૧૨ જાન્યુઆરી પર રાખવામાં આવી છે.