રત્નાગિરીમાં દાઉદ ઇબ્રાહિમની જમીન ખરીદનાર વકીલને ધમકી
એફઆઈઆર નોંધવામાં પણ સ્થાનિક પોલીસના અખાડા
અમુક ગામવાસીઓ વકીલને ધાર્મિક અનુષ્ઠાન કરવાથી અટકાવી રહ્યા હોવાનો આરોપ, પૂજાનો સામાન પણ ચોરાયો
મુંબઇ : મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં લિલામીમાં ભાગેડું ગેન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમની સંપત્તિ ખરીદનાર વકીલ ભૂપેન્દ્રકુમાર ભારદ્વાજને ધમકી મળતા તેમણે આ બાબતે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે એફઆઇઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભારદ્વાજે પોલીસમાં કરેલ ફરિયાદ અનુસાર તેમણે લિલામીમાં દાઉદની પ્રોપર્ટી ખરીદ્યા બાદ તેઓ અહીં અમુક ધાર્મિક અનુષ્ઠાન કરવા માગતા હતા. જોકે સ્થાનિક ગામવાસીઓ તેમને આમ કરવાથી રોકી રહ્યા છે અને તેમને ધમકાવી રહ્યા છે. ભારદ્વાજે આ મામલે અમુક ગામવાસીઓના નામ પણ પોલીસને આપ્યા છે. ભારદ્વાજે અમુક ગામવાસીઓ સામે ચોરી, અતિક્રમણ અને ગુનાહિત ધાકધમકી સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.
ભારદ્વાજ ્નુસાર ૨૩ ફેબુ્રઆરી, ૨૦૨૪ના રોજ તેમણે તેમના એક સહયોગી નિરંજન રામદાસ સાથે આ જમીન પર એક વૃક્ષ વાવી તેની નીચે પૂજા કરી હતી. આ સાથે જ અહીં અમુક ધાર્મિક અનુષ્ઠાન હાથ ધર્યું હતું તે રાત્રે નવ વાગ્યા સુધી ચાલ્યું હતું. જોકે બીજા જ દિવસે અમુક ગામવાસીઓ આ સ્થળે ધસી આવ્યા હતા અને તોફાન મચાવ્યું હતું. એવો આરોપ કરવામાં આવે છે કે ગામવાસીઓ અહીંથી તમામ સામાન ચોરી ગયા હતા.
ભારદ્વાજે એવો આરોપ કર્યો હતો કે સ્થાનિક પોલીસે પહેલા તો એફઆઇઆર લેવા તૈયાર જ નહોતી. જોકે ઘણા પ્રયાસો બાદ પોલીસે એફઆઇઆર નોંધી પણ વકીલ ભારદ્વાજના આગ્રહ બાદ પણ એફઆઇઆરમાં આઇપીસીની કલમ ૨૯૫એ જોડવામાં આવી નહોતી. આ કલમ જાણી જોઈને દુર્ભાવનાપૂર્ણ કૃત્ય જેમાં કોઈ વિશિષ્ઠ વર્ગ, ધર્મ અથવા તેમની ધાર્મિક ભાવનાને ઠેસ બાબતની છે. તેનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.
ભારદ્વાજે થોડા સમય પહેલા દાઉદની પ્રોપર્ટીના લિલામ હેઠળ આરક્ષિત મૂલ્યને આધારે આ જમીન ખરીદી હતી. તેઓ આ જમીન પર આતંકવાદ વિરોધી રાષ્ટ્રીય મોર્ચો ખોલવા માગે છે. ૨૦૨૦માં દાઉ ઇબ્રાહિમની છ પ્રોપર્ટીનું લિલામ કરવામાં આવ્યું હતું. દાઉદની માતા અમીનાબી અને બહેન હસીના પારકરના નામ પરની આ સંપત્તિ સાફેના કાયદા હેઠળ એજન્સીઓએ જપ્ત કરી હતી.