લોરેન્સ બિશ્નોઇનાં લાંબા હિટ લિસ્ટમાં કોમેડિયન મુનવ્વર ફારુકી પણ સામેલ
અગાઉ બિશ્નોઈ ગેંગે દિલ્હીમાં મુન્વરનો પીછો કર્યો હતો
સિધ્ધૂ મૂસેવાલાનો મેનેજર શગન પ્રીત સિંહ ઉપરાત ઝીશાન સિદ્દીકી અને અન્યો નિશાના પર
મુંબઇ : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમે ગુજરાતની સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ કરી છે. બિશ્નોઇના હિટ લિસ્ટમાં બોલીવૂડ અભિનેતા સલમાન ખાન, કોમેડિયન મુનવ્વર ફારુકી, પંજાબી ગાયક સિધ્ધૂ મૂસેવાલાનો મેનેજર શગનપ્રીત સિંહ, ઉપરાંત મનદીપ ધારીવાલ, ઝીશાન સિદ્દીકી, કૌશલ ચૌધરી, અમિત ડાગર હોવાનું કહેવાય છે.
બોલીવૂડ સ્ટાર્સ સલમાન ખાન, શાહરુખ ખાન, સંજય દત્ત, શિલ્પા શેટ્ટી અને અન્ય ઘણી હસ્તીઓ સાથે સારા સંબંધો ધરાવનારા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપી (અજીત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા લોરેન્સ બિશ્નોઇ ગેંગે કરતા ચકચાર જામી છે.
સિદ્દીકીની હત્યાથી બોલીવૂડ અને રાજકારણમાં ચિંતાજનક પરિસ્થિતિ છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના રડાર હોય એની માહિતી મેળવવામાં આવી છે.
બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને કાળીયારનો શિકાર કરતા તે બિશ્નોઇ ગેંગના મુખ્ય નિશાના પર છે. આ ગેંગ દ્વારા સલમાનને અનેક વખત મારી નાખવાની ધમકી આપી છે. ગત એપ્રિલમાં બાંદરામાં સલમાનના નિવાસ સ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા સોશિયલ મીડિયામાં કરાયેલી પોસ્ટમાં ફરી સલમાન ખાનના નામનો ઉલ્લેખ કરાયો હતો.
બિગ બોસ-૧૭ના વિજેતા કોમેડિયન મુનાવર ફારુકી પણ બિશ્નોઇ ગેંગના હિટ લિસ્ટમાં છે. અગાઉ હિન્દુ દેવી દેવતા માટે મુનવ્વરે વિવાદાસ્પદ નિવેદન કરતા બિશ્નોઇ ગેંગના ટાર્ગેટ પર છે. સપ્ટેમ્બરમાં મુનવ્વર દિલ્હીમાં કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહ્યો હતો. ત્યારે લોરેન્સના સાગરીતોએ તેનો પીછો કર્યો હતો. પરંતુ સિક્યુરિટી એજન્સીને કાવતરાના જાણ થઇ જતા તેમણે મુનાવરને બચાવી લીધો હતો. હાસ્ય કલાકારને સુરક્ષા વચ્ચે મુંબઇ લાવવામાં આવ્યો હતો.
બિશ્નોઇ ગેંગે વિક્રમજીત સિંહની હત્યાનો બદલો લેવા પંજાબી ગાયક સિધ્ધૂ મૂસેવાલાની હત્યા કરી હતી. વિક્રમજીત સિંહના હત્યારાની મૂસેવાલાના મેનેજર શગનપ્રીત સિંહે આશ્રય આપ્યો હોવાનું બિશ્નોઇ ગેંગ માનતી હતી. આથી તેઓ શગનપ્રીત સિંહ પર હુમલો કરી શકે ચે.
આ ઉપરાંત વિક્રમજીત સિંહની હત્યા માટે મદદ કરનારો મનદીપ ધારીવાલ પણ તેમના હિટ લિસ્ટમાં હતો બાબા સિદ્દીકી સાથે તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની હત્યાની સુપારી બિશ્નોઇ ગેંગે આપી હતી. પરંતુ ઝીશાન બચી ગયો હતો.
હાલમાં ગુરુગ્રામ જેલમાં બંધ ગેંગસ્ટાર કૌશલ ચૌધરી પર વિક્રમજીતની હત્યા માટે શસ્ત્રો સપ્લાય કરવાનો આરોપ ચે. આથી લોરેન્સ બિશ્નોઇ તેને પણ નિશાન બનાવી શકે છે.
ગેંગસ્ટર કૌશલ ચૌધરીનો નજીકનો સાથીદાર અમિત ડાગર વિક્રમજીતની હત્યામાં સામેલ હતો. આથી તે પણ હિટ લિસ્ટમાં છે.