લોરેન્સ બિશ્નોઇનો જેલમાંથી શૂટરને કોલ : પોલીસથી ડરશો નહીં, અમારી પાસે વકીલોની ફોજ છે
એનસીપી નેતા બાબા સિદ્દીકી હત્યા કેસ
શૂટર ગૌતમને રૂા.૧૨ લાખ આપવાનું અને વિદેશ મોકલવાનું વચન અપાયું હતું
કુખ્યાત ગુંડો લોરેન્સ બિશ્નોઇ ગુજરાતની જેલમાં બંધ છે. શૂટર ગૌતમે દાવો કર્યો હતો કે તેણે લોરેન્સ બિશ્નોઇ સાથે વાત કરી હતી તે સમયે બિશ્નોઇએ શૂટરને ખાતરી આપી હતી કે હત્યા બાદ પોલીસથી ડરવાની જરૂર નથી.
લોરેન્સ બિશ્નોઇએ ગૌતમને કહ્યું હતું કે જો તે પકડાઇ જાય તો પણ ચિંતા ન કરતા થોડા દિવસમાં જ તેને જેલમાંથી બહાર કાઢવામાં આવશે. શૂટર ગૌતમે વધુમાં જણાવ્યું કે બિશ્નોઇએ તેને હત્યા માટે રૂા.૧૨ લાખ આપવાનું વચન આપ્યું હતું.
જેલમાંથી બહાર આવ્યા બાદ તેને વિદેશ મોકલવાની વ્યવસ્થા કરવાનું વચન પણ આપવામાં આવ્યું હતું.
ગૌતમે કહ્યું કે લોરેન્સે તેને જણાવ્યું હતું કે તેમની પાસે વકીલોની ટીમ છે જે ધરપકડના ગણતરીના દિવસમાં તેને જેલમાંથી બહાર કાઢશે.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઇનું નામ સામે આવ્યું છે. આ પહેલા બિશ્નોઇના ભાઇ અનમોલની પણ ગુનામાં સંડોવણીની જાણ થઇ હતી.
૧૨ ઓકટોબરના દશેરાની રાતે બાદરામાં પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ નજીક બાબા સિદ્દીકીની અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરાઇ હતી. તે સમયે બે આરોપી પકડાઇ ગયા હતા. પછી મુખ્ય શૂટર શિવકુમારને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરાઇ હતી. આ ચકચારજનક ગુનામાં અત્યારસુધીમાં બે ડઝનથી વધુ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.