લોરેન્સ બિશ્નોઈ કો ભેજું ક્યાં, સલીમ ખાનને સ્કૂટર પર આવેલાં કપલની ધમકી
બાન્દ્રામાં મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે ધમકી આપી પલાયન
સલીમ ખાનના બોરીગાર્ડે ટુ વ્હીલરનો નંબર યાદ રાખી પોલીસને જાણ કરતાં બંન ઝડપાયાઃ મજાક કરતા હોવાનો દાવો
મુંબઇ : બાંદરામાં બોલીવુડના પ્રસિદ્ધ પટકથા લેખક સલીમ ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના નામથી ધમકી આપી સ્કૂટર પર પલાયન થઇ ગયેલાં યુગલની પોલીસે ધરપકડ કરી છે..તેમણે મજાક મજાકમાં જ આ ધમકી આપી હોવાનો દાવો કર્યો હતો.
અગાઉ પણ અનેક વખત ખાન પરિવારને બિશ્નોઇ ગેંગ દ્વારા મારી નાખવાની ધમકી મળી છે. આમ ફરી ધમકી મળતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. બાંદરા (પશ્ચિમ) સ્થિત બેન્ડ સ્ટેન્ડ ખાતે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અભિનેતા સલમાન ખાન, પિતા સલીમ ખાન પરિવાર સાથે રહે છે. બેન્ડસ્ટેન્ડમાં ગઇકાલે સવારે ૮.૪૫ વાગ્યે સલીમ ખાન મોર્નિંગ વોક માટે ગયા હતા. તેઓ થાકી જતા થોડીવાર બેસી ગયા હતા તે સમયે ગેલેક્સી એપાર્ટમેન્ટ તરફથી સ્કૂટર આવી રહ્યું હતુું. અજાણ્યો શખસ સ્કૂટર ચલાવતો હતો અને પાછળ બુરખાધારી મહિલા બેસેલી હતી. તેઓ સ્કૂટર યુ ટર્ન મારીને સલીમ ખાન પાસે આવ્યા હતા. સ્કૂટર રોકીને સલીમ ખાનને ધમકી આપી હતી કે 'લોરેન્સ બિશ્નોઇ કો ભેજુ ક્યા' પછી બંને ફરી યુ ટર્ન લઇને સ્કૂટર પર પલાયન થઇ ગયા હતા, એમ પોલીસ ઓફિસરે જણાવ્યું હતું.
સલીમ ખાનના બોડીગાર્ડે ટુ- વ્હીલરનો નંબર જોયો હતો. બાદમાં બાંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે સ્કૂટરના નંબર, સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે બંને આરોપીને ઝડપી લીધા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તેમણે ખાન સાથે મજાક કરવા ધમકી આપી હતી.
જૂન ૨૦૨૨માં બાંદરા બેન્ડસ્ટેન્ડમાં મોર્નિંગ વોક બાદ સલીમ ખાન બેન્ચ પર બેઠા હતા. ત્યારે એક અજાણી વ્યક્તિએ તેમને એક ચીઠ્ઠી આપી હતી. આ ચીઠ્ઠી દ્વારા સલીમ ખાન અને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.