મુંબઈભરની બજારોમાં ગરબા ખરીદવા છેલ્લી ઘડીએ ભીડ
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે...
સાદાં, લેસવાળા, ડિઝાઈનવાળાં 40 થી માંડી 2500 રુપિયા સુધીનાં ગરબાની માગ
મુંબઈ : આસો નવરાત્રી નિમિત્તે ઘરેઘરે ગરબાની પધરામણી થતી હોય છે અને મોટાં મંડળોમાં પણ ગરબા પધરાવવામાં આવતાં હોય છે. કેટલેક ઠેકાણે અમાસની સાંજે તો કેટલેક ઠેકાણે આસો સુદ એકમના ઘટસ્થાપના થતી હોય છે. આથી મુંબઈમાં પણ મોટેપાયે ગરબાઓનું વેચાણ થાય છે. ત્યારે છેલ્લાં કેટલાંક દિવસથી મુંબઈની બજારોમાં ગરબા ખરીદવા ભીડ જામી રહી છે
ઘટસ્થાપના માટે પધરાવવામાં આવતાં સાવ નાનાથી માંડી મોટા આકાર સુધીના ગરબા માર્કેટમાં ઉપલબ્ધ છે. જેની કિંમત ૪૦ રુપિયાથી શરુ થઈ ૨૫૦૦ રુપિયા કે તેથી વધુની પણ જોવા મળી રહી છે. માટીના નકશીકામવાળા ગરબાથી માંડી તાંબા, પિત્તળ અને ચાંદીના ગરબા પણ મંડળો કે ઘરમાં બેસાડવામાં આવતાં હોય છે.
ઘટસ્થાપનાને દિવસે ભાગદોડ ન થાય તે માટે આજે પણ માર્કેટમાં મોટા પાયે ખરીદદારોની ભીડ જોવા મળી હતી. જેઓ ગરબા અને માટીની ખરીદી કરી રહ્યાં હતાં. રંગબેરંગી આભલાંવાળા, લેસવાળા કે અન્ય ડિઝાઈનવાળાગરબા ધારાવીના કુંભારવાડામાંથી મુંબઈની માર્કેટોમાં આવતાં હોય છે. આ ગરબા ં અને તેમાં મૂકાતાં કોડિયાની બનાવટ થકી કુંભારવાડામાં કારીગરોને પણ સારી આવક થતી હોય છે. હવે એક એવો પણ ટ્રેન્ડ આવ્યો છે, જેમાં ભાવિકો ઘરમાં જ માટીનો ગરબા આકારનો ઘડો લાવી તેને સજાવી ગરબો તૈયાર કરે છે અને સ્થાપનમાં પધરાવે છે.