Get The App

કોલેજોમાં આગામી શૈક્ષણિક વર્ષના પ્રવેશની અંતિમ તારીખો આગોતરી જાહેર

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
કોલેજોમાં આગામી શૈક્ષણિક વર્ષના પ્રવેશની અંતિમ તારીખો આગોતરી જાહેર 1 - image


મુંબઈ યુનિવર્સિટીએ સમયસર એડમિશન પૂર્ણ કરવા રણનીતિ ઘડી

સમયસર એડમિશન પૂર્ણ ન કરી શકનાર કૉલેજોએ દંડ ભરવો પડશે, જૂના વિલંબિત કેસ 15 ફેબ્રુઆરી સુધીમાં યુનિ.માં જમા કરવા આદેશ

મુંબઇ :કેટલીક કૉલેજો સમયસર વિદ્યાર્થીઓના એડમિશન કરતી નથી અને યુનિવર્સિટીને સમયસર વિદ્યાર્થીઓના એડમિશન ફોર્મ મોકલવામાં મોડું કરે છે. જેને કારણે વિદ્યાર્થીઓના નામ યુનિવર્સિટીમાં સમયસર રજીસ્ટર થતાં નથી અથવા ઘણીવાર તેમને હૉલટિકીટ પણ મળતી નથી. કેટલીકવાર આ પ્રક્રિયા થઈ ન હોવાથી તેમના પરિણામ જાહેર થઈ જવા છતાં તેમના રીઝલ્ટ રિઝર્વ રાખવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને નાહકનો ત્રાસ સહન કરવો પડે છે. આગામી વર્ષથી આવું ન બને તે માટે મુંબઈ યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ના એડમિશનની અંતિમ તારીખ અત્યારથી જ જાહેર કરી દીધી છે.

ધો.૧૨નું પરિણામ જાહેર થયા બાદ અંડરગ્રેજ્યુએટ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ ઉપરાંત પ્રોફેશનલ કોર્સના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના એડમિશન ૩૧ ઑગસ્ટ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાના રહેશે. તેમજ એમએ, એમકોમ અને એમએસસી આ માસ્ટર્સ કોર્સના પ્રથમથી ચોથા સત્ર સુધીના એડમિશન ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાના રહેશે. એન્જિનીયરીંગ, આર્કિટેક્ચર, લૉ, એજ્યુકેશન તેમજ મેનેજમેન્ટ જેવા પ્રોફેશનલ કોર્સના બીજા વર્ષથી પાંચ વર્ષ સુધીના તમામ એડમિશન ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં તો પ્રથમ વર્ષના એડમિશન સીઈટી સેલની પ્રવેશ પ્રક્રિયા બાદ પૂર્ણ કરવાના રહેશે.

કૉલેજોએ પ્રત્યેક દિવસના એડમિશન તે જ દિવસે પૂર્ણ કરી એમકેસીએલ/સમર્થ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે. ઉક્ત તારીખ બાદ એડમિશન થઈ શકશે નહીં. સંબંધિત સિસ્ટમમાં છેલ્લી તારીખ બાદ એડમિશન કરવામાં આવશે તો કૉલેજ પાસેથી દંડ લેવામાં આવશે. તેમાં અંતિમ તારીખ બાદ ૩૦ દિવસ સુધી ૫૦૦૦ રુપિયાનો દંડ તો ૩૦ દિવસ બાદ ૫૦૦૦ રુપિયા ઉપરાંત પ્રતિ વિદ્યાર્થી ૧૦ રુપિયાનો અધિક દંડ વસૂલાશે. આથી કૉલેજોએ સમયસર એડમિશન પૂર્ણ કરવાના રહેશે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના કોઈ પ્રલંબિત કેસ હોય તો સંબંધિત કૉલેજોએ મેનેજમેન્ટ કાઉન્સિલના ઠરાવાનુસાર દંડ ભરી ચાલું વર્ષમાં ૧૫ ફેબુ્રઆરી સુધીમાં યુનિવર્સિટીમાં જમા કરાવવાના રહેશે, એવું પરીક્ષા વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.   



Google NewsGoogle News