છેલ્લાં 3 વર્ષમાં પ્રવાસીઓ બસમાં 2000 મોબાઈલ ભૂલ્યાં
1000 પ્રવાસીઓને મોબાઈલ પરત કરાયાં
મુંબઈ : બેસ્ટનો કાફલો ઓછો થયો હોવાથી અત્યારે રસ્તે દોડતી બસોમાં પ્રવાસીઓની ભારે ભીડ જામે છે. આ ભીડમાંથી ઊતરવાની ઉતાવળમાં અનેક પ્રવાસીઓ મોબાઈલ સહિત કેટલીક વસ્તુઓ ભૂલી જતાં હોય છે. તેમાં સૌથી વધુ મોબાઈલ અને તેમાંય સ્માર્ટ ફોન્સ પ્રવાસીઓ ભૂલતાં હોવાનું જણાયું છે.
ગત ૩ વર્ષમાં પ્રવાસીઓ ૨,૩૨૭ મોબાઈલ ભૂલ્યાં હોવાની માહિતી મળી છે. તેમાં છેલ્લાં ત્રણ મહિનામાં વધુ ૭૯ મોબાઈલનો ઉમેરો થયો છે. ભૂલાયેલાં આ મોબાઈલ્સમાંથી ૧૦૦૦ પ્રવાસીઓને તેમના મોબાઈલ પાછાં મળી ગયાં હોવાનું બેસ્ટ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે.
બેસ્ટ પ્રશાસન પ્રવાસી દ્વારા ખોવાયેલ અને તેમને મળેલ દરેક મોબાઈલના મોડેલની માહિતી જાહેરાત થકી આપતાં હોય છે. તે મુજબ અનેક પ્રવાસીઓ બેસ્ટના બસ ડેપોનો સંપર્ક કરી પૂરાવાઓ રજૂ કરી મોબાઈલ પાછો મેળવતાં હોય છે. પરંતુ બેસ્ટે બેથી ત્રણ વાર આવાહન કર્યા બાદ અને મહિનો દિવસ રાહ જોયા બાદ પણ જો કોઈ પ્રવાસી મોબાઈલ લેવા ન આવે તો મોબાઈલ ભંગારમાં આપી દેવાતાં હોય છે.
પ્રવાસીઓ માત્ર મોબાઈલ જ નહીં તો બ્લ્યુટૂથ, ઈયરફોન, કી-બોર્ડ, માઉસ, પાવર બઁક, લેપટોપ, કેમેરા સ્ટેન્ડ, કેલ્ક્યુલેટર જેવી વસ્તુઓ પણ ભૂલી જતાં હોય છે. જે બાદમાં વડાલા સ્થિત બેસ્ટના લોસ્ટ ફાઉન્ડ પ્રોપર્ટી વિભાગમાં આપી દેવાતી હોય છે.