લશ્કરે તોઈબાના સીઈઓના નામે રિઝર્વ બેન્કને ઉડાવી દેવાની ધમકી
પાકિસ્તાનથી ફોન કર્યો હોવાનો કોલરનો દાવો
એરલાઈન્સ અને એરપોર્ટને ધમકી બાદ હવે રિઝર્વ બેન્ક નિશાને ઃ એનઆરએ માર્ગ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર મુંબઈ સ્થિત આરબીઆઈના કસ્ટમર કેર સેન્ટરને શનિવારે સવારે દસ વાગ્યે એક અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો. પાકિસ્તાનથી આવેલ આ ફોન કરનાર શખ્સે તેની ઓળખ લશ્કરે- એ- તોયબાના સીઈઓ તરીકે આપી હતી. આ વ્યક્તિએ એવો દાવો કર્યો હતો કે લશ્કર- એ- તોઈબાનો સીઈઓ છે અને આરબીઆઈનો પાછળનો ગેટ ત્વરિત બંધ કરી નાંખો એક ઈલેકટ્રિક કાર ખરાબ થઈ ગઈ છે.' આટલું બોલી કોલ કરનાર વ્યક્તિએ ફોન ડિસ્કનેકટ કરી દીધો હતો.
આ વ્યક્તિએ ફોન રિસીવ કરનાર વ્યક્તિને પાછળનો રસ્તો બંધ કરવાનું પણ જણાવ્યું હતું. આ કોલ ડિસ્કનેકટ થયા બાદ બેંકની સિક્યુરિટીએ આ વાતને ગંભીરતાથી લઈ આ વાતની જાણ પોલીસને કરતા માતા રમાબાઈ આંબેડકર (એમઆરએ) માર્ગ પોલીસ મથકમાં આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે આ કોલ કોઈ વ્યક્તિએ ટીખળ માટે કર્યો હોવાની શંકા વ્યક્ત કરી છે તેમ છતાં પોલીસે સાવધાની દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મુંબઈ સહિત સમગ્ર દેશમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ ટોચની ઈમારતો, એરલાઈન્સોને સતત બોમ્બની ધમકીભર્યા મેસેજ, કોલ આવી રહ્યા છે. આમાંથી લગભગ તમામ ફોન ભય અને અફવા ફેલાવવાના આશયથી કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું છ.ે હાલ એનઆઈએની સાયબર વિંગ આ સમગ્ર કોલની ઉંડાણભરી તપાસ ચલાવી રહી છે.