લગ્ને લગ્ને ધુતારોઃ 7 મહિલા સાથે લગ્ન, અનેક સાથે બળાત્કાર

Updated: May 9th, 2024


Google NewsGoogle News
લગ્ને લગ્ને ધુતારોઃ 7 મહિલા સાથે લગ્ન, અનેક સાથે બળાત્કાર 1 - image


પરણિત  છતાં મેટ્રિમોનિઅલ સાઈટ પરથી મહિલાઓને ફસાવતો ઈમરાન ઝડપાયો

મોટી વયની અપરણિત, છૂટાછેડા લીધેલી કે વિધવાઓને શિકાર બનાવતા હતોઃ 20થી વધે ને ફસાવીઃ  લાખો રુપિયા પડાવી જુગારમાં ઉડાવતો હતો

મુંબઇ  : મેટ્રીમોનિયલ વેબસાઇટ પરથી મહિલાઓની છેતરપિંડી કરતા ઇમરાન અલી ખાનની થોડા દિવસો પહેલા દક્ષિણ મુંબઇમાં પાયધુની પોલીસે હૈદ્રાબાદથી  ધરપકડ કરી હતી. ઇમરાન અલીએ પાયધુની વિસ્તારમાં રહેતી એક ૪૨ વર્ષીય મહિલા સાથે ૨૨ લાખ રૃપિયાની છેતરપિંડી કરી હતી. મુંબઇ પોલીસે આ મામલે ખાન સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસને આ તપાસમાં એવી ચોંકાવનારી માહિતી મળી હતી કે ખાને મુંબઇ સહિત પરભણી, ધુળે, સોલાપુર જેવા શહેરોની ૧૦ થી ૧૨ અને સમગ્ર દેશમાંથી મળી કુલ ૨૦ થી વધુ મહિલાઓ સાથે કથિત વિશ્વાસ ઘાત કરી છેતરપિંડી આચરી હતી. આ બાબતની વધુ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે વધતી ઉમંરને લીધે જે મહિલાઓના લગ્ન થતા નહોતા તેવી મહિલાઓને ખાન પોતાનું ટાર્ગેટ  બનાવતો હતો. લગ્નનું વચન આપી મિત્રતા કરી ખાને મહિલાને ભાયખલામાં ફલેટ લેવા સહિતના વિવિધ કારણો આપી તેના પાસેથી અવારનવાર મોટી રકમ પડાવી હતી. મહિલાને પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાતા તેણે ખાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હૈદ્રાબાદથી ઇમરાન ખાનની ધરપકડ કરી હતી. ખાનને અહીંની એક સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવતા સાત દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

આ સંદર્ભે વધુ  વિગત આપતા પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદી મહિલા શિક્ષિકા છે અને ૨૦૨૩માં તેણે એક મેટ્રીમેનિયલ વેબસાઇટ પર પોતાનો પ્રોફાઇલ મૂક્યો હતો. ફરિયાદીનો અમૂક લોકોએ સંપર્ક કર્યો હતો જેમાં ઇમરાન ખાનનો પણ સમાવેશ થતો હતો. ફરિયાદીએ વધુ પૂછપરછ કરતા તેણે પોતે કન્સ્ટ્રકશન વેપારમાં હોવાનું અને હેદ્રાબાદમાં તેના માતા-પિતા રહેતા કોઇ પોતે કામ સાથે રહેતો હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ત્યાર બાદ બન્ને વચ્ચે ઓનલાઇન ચેટીંગ થઇ અને બન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ત્યાર બાદ મહિલાએ ખાનને મુંબઇ બોલાવ્યો હતો. તે થોડા દિવસ મુંબઇમાં  રહ્યો અને ભાયખલામાં  ફલેટ ખરીદવાનો હોવાનું કહી ફરિયાદી પાસેથી  ૧૫ લાખ પડાવ્યા હતા. ત્યાર બાદ વિવિધ કારણો આપી ફરિયાદી પાસેથી વધુ પૈસા પડાવી કુલ ૨૨ લાખની છેતરપિંડી કરી હતી.

આ સંદર્ભે એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇમરાનની વધુ પૂછપરછ કરતા તે પહેલેથી પરિણીત હોવાનું જણાયું હતું અને તેણે છેતરપિંડીના આશયથી સાત મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. જેમાં સોલાપુર, પરભણી અને પશ્ચિમ બંગાળની મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ખાન ખાસ કરીને મુસ્લિમ સમાજની મોટી ઉમરની અપરિણીત અથવા છૂટાછેડાવાળી કે વિધવા મહિલાને લક્ષ્ય બનાવતો. પોતાની ઓળખાણ ઉદ્યોગપતિ તરીકે આપી તે મહિલાઓને ફાઇવસ્ટાર હોટલમાં  બોલાવતો અને પોતાની લાઇફ સ્ટાઇલથી આંજી નાખતો મહિલાઓનો વિશ્વાસ જીતી લીધા બાદ તે છેતરપિડી કરતા અને મહિલાઓ પાસેથી પ્રાપ્ત પૈસાથી જુગાર  રમતો હતો.



Google NewsGoogle News