પુણે- દિલ્હી ફ્લાઇટમાં લેડી ક્રૂએ બેહોશ પ્રવાસીનો જીવ બચાવ્યો
ફલાઈટમાં તત્કાળ પ્રાથમિક સારવાર આપી
હોશ ખોઇને ફસાડાઇ પડેલા પેસેન્જરને તરત ઓક્સિજન આપી ભાનમાં લાવવામાં આવ્યા
મુંબઇ - ઇંડિગો એરલાઇન્સની પુણેથી દિલ્હી જવા ઉપડેલી ફ્લાઇટમાં અચાનક બેભાન થઇ ગયેલા ૭૦ વર્ષીય પ્રવાસીનો જીવ મહિલા કેબિન ક્રુની સમયસૂચક્તાને લીધે બચી ગયો હતો.
પુણેથી વિમાને ટેકઓફ કર્યા બાદ વયોવૃદ્ધ પ્રવાસીને અચાનક બેચેની લાગવા માંડી હતી. પોતે હોશ ગુમાવી રહ્યા છે એવ ું લાગતા તેમણે હેલ્પ માટેનું બટન બે-ત્રણ વાર દબાવ્યું હતું. ત્યારબાદ બેભાન થઇ ગયા હતા.
તરત જ કેબિન ક્રુ દોડી આવ્યા હતા. કેપ્ટને એનાઉન્સ કર્યું હતું કે ફ્લાઇટમાં કોઇ ડોક્ટર હોય તો મદદ કરે પણ કોઇ ડોક્ટર પ્રવાસી ન હોવાથી મહિલા કેબિન ક્રુએ વૃદ્ધ પ્રવાસીને ઓક્સિજન આપવાનું શરૃ કરી દીધું હતું. લગભગ ૩૦થી ૪૦ મિનિટ પછી પ્રવાસી ભાનમાં આવી ગયા હતા અને તેમણે અણીને વખતે મદદ કરી જીવ બચાવવા માટે મહિલા કેબિન ક્રુ અને અન્ય ક્રુ મેમ્બરોનો આંખમાં ઝળઝળિયા સાથે આભાર માન્યો હતો. ગઇ ૧૨મી જાન્યુઆરીની આ ઘટના વિશે આ જ ફ્લાઇટમાં પ્રવાસી કરતા બીજા એક પેસેન્જરે સોશ્યલ મિડિયા પર વિગત મૂકી હતી.