કુર્લા બેસ્ટ બસ મૃત્યુઆંક વધીને 7 થયો : 42 ઘાયલ, 22 વાહનને નુકસાન
ડ્રાઇવરને ઇલેક્ટ્રિક બસ ચલાવવાનો કોઇ અનુભવ નહોતો
1 ડિસેમ્બરથી ડ્રાઇવરે બેસ્ટની ઇલેક્ટ્રિક બસ ચલાવવાની શરૃઆત કરી : આરોપી દારૃના નશામાં ન હોવાનો પ્રાથમિક તબીબી અહેવાલ
મુંબઇ : કુર્લા (પશ્ચિમ)માં લોકોથી ખીચોખીચ ભરેલા રસ્તા પર ગઇકાલે રાતે બેસ્ટ બસના ડ્રાઇવરે અડફેટમાં લેતા જીવ ગુમાવનારની સંખ્યા વધીને સાત થઇ ગઇ છે. અકસ્માતમાં ૪૨ લોકો જખમી થયા હતા અને ૨૨ વાહનોને નુકસાન થયું હતું.પોલીસે સદોષ મનુષ્યવધનો કેસ નોંધી આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે. કોર્ટે તેને ૨૧ ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ બેદરકારીપૂર્વક વાહન ચલાવી નિર્દોષ રાહદારીઓને કચડી મારનારા ડ્રાઇળર સંજય મોરેને ઇલેક્ટ્રિક વાહન (ઇવી) ચલાવવાનો કોઇ અનુભવ ન હતો, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું.
કુર્લા (પશ્ચિમ) સ્થિત એસ.જી. બર્વે માર્ગ પર પાલિકાના એલ વોર્ડ સામે ગઇકાલે રાતે લગભગ ૯.૩૦ વાગ્યે આ કમકમાટીભરી ઘટના બની હતી. પાલિકા સંચાલિત બૃહન્મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) બસના ડ્રાઇવર સંજય મોરે (ઉં.વ.૫૪) વાહન પરથી નિયંત્રણ ગુમાવતા રાહદારીઓ, રિક્ષા, બાઇક, કારને અડફેટમાં લીધા હતા ત્યારબાદ એક સોસાયટીના ગેટ તોડીને બસ અંદર ઘૂસી જતા અટકાઇ ગઇ હતી.
આ દુર્ઘટનાને લીધે ભાગદોડ મચી ગઇ હતી. લોકો જીવ બચાવવા મદદ માટે બૂમાબૂમ કરી હતી. લોકોએ સ્થાનિક ડ્રાઇવર મોરે અને કંડક્ટરને પકડીને માર માર્યો હતો. ત્યારબાદ તેમને પોલીસના તાબામાં સોંપવામાં આવ્યા હતા. અકસ્માતથી પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ હતી અને ફરી કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આરોપી સંજય મોરેની ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫, ૧૧૦ અને મોટર વ્હીકલ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આજે તેને કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે મોરેને ૨૧ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી આપી હતી.
આરોપી મોરેએ પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે હજુ ગત પહેલી ડિસેમ્બરથી જ બેસ્ટની ઇલેક્ટ્રિક બસ ચલાવવાની શરૃઆત કરી હતી. તે પહેલા તેણે મિની બસો ચલાવી હતી. ડ્રાઇવર મોરેએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે માત્ર ૧૦ દિવસ માટે જ ઇલેક્ટ્રિક બસની તાલીમ લીધી હતી. તે સોમવારે રાતે બસને નિયંત્રિત કરી શક્યો ન હતો. કારણ કે તેની પાસે કોઇ અનુભવ ન હતો, એવી માહિતી અધિકારીએ આપી હતી.
પોલીસ પૂછપરછ વખતે તે માનસિક રીતે વધુ સતર્ક હોવાનું જણાયું હતું. આ ઉપરાંત પ્રાથમિક તબીબી અહેવાલ મુજબ અકસ્માત વખતે તે દારૃના નશામાં ન હતો. દરમિયાન હૈદરાબાદ સ્થિત ઓલેક્ટ્રા ગ્રીનટેક દ્વારા બનાવવામાં આવેલી ૧૨ મીટર લાંબી બસની ફોરેન્સિક સાયન્સ એક્સ્પર્ટ અને રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવી હતી કે શું એમાં કોઇ યાંત્રિક ખામી હતી જેના કારણે અકસ્માત થયો હતો.
આ દુર્ઘટનામાં અત્યાર સુધી સાત જણના મોત નિપજ્યા છે. જ્યારે ઇજાગ્રસ્ત ૪૨ને ભાભા, સાયન, સેવન હિલ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક ઘાયલ લોકોની સ્થિતિ ગંભીર છે. જખમીમાં ચાર પોલીસ કર્મચારીનો સમાવેશ છે. તેઓ બંદોબસ્ત ડયુટી પર હતા. તેમની હાલત સ્થિત હોવાનું જણાવાયું હતું. બસ દુર્ઘટનાની તપાસ માટે બેસ્ટ બસ દ્વારા એક સમિતિની રચના કરાઇ છે. ચીફ મેનેજર (ટ્રાન્સપોર્ટ) રમેશ મડાવીના નેતૃત્વમાં તપાસ કરશે. બેસ્ટ મૃતકોના પરિવારજનોને રૃા. બે લાખ આપશે અને ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવશે.
ભારતીય જનતા પાર્ટીનું એક પ્રતિનિધિ મંડળ બેસ્ટના જનરલ મેનેજર અનિલ દિગ્ગીકરને મળ્યું હતું અને પ્રત્યેક મૃતકોના પરિવારજનો માટે રૃા. ૧૦ લાખ તથા ઇજાગ્રસ્તોને રૃા. ૫૦ હજારથી રૃા. બે લાખ સુધીના વળતરની માંગણી કરી હતી.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે આ ઘટનામાં થયેલા જાનહાની પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. અને ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. એક્સ પરના મેસેજમાં ફડણવીસે દરેક મૃતકના પરિવારજનોની મુખ્ય પ્રધાન રાહત ફંડમાંથી રૃા. પાંચ લાખની આર્થિક સહાયતાની જાહેરાત કરી હતી.