સોનાક્ષીના લગ્ન મુદ્દે કટાક્ષ કરવો કુમાર વિશ્વાસને ભારે પડયો
કવિતામાં સોનાક્ષીના મુસ્લિમ યુવક સાથેના લગ્નનો ઉલ્લેખ
શત્રુઘ્નની પુત્રીના ઝહીર ઈકબાલ સાથે લગ્ન બાબતે વિશ્વાસના કટાક્ષનો સોશિયલ મીડિયા પર ભારે વિરોધ
મુંબઈ : કવિ કુમાર વિશ્વાસે ઉત્તર પ્રદેશમાં એક કવિતા કાર્યક્રમ દરમ્યાન અભિનેતા-રાજકરણી શત્રુઘ્ન સિંહા અને તેની પુત્રી સામે અપ્રત્યક્ષ કટાક્ષ કરતા ભારે વિવાદ છેડાયો હતો. કવિતા પઠન દરમ્યાન વિશ્વાસે તાજેતરમાં ઝહીર ઈકબાલ સાથે સોનાક્ષી સિંહાના આંતર ધર્મી લગ્ન બાબતે કટાક્ષ કર્યો હતો. વિશ્વાસે વડિલોને બાળકોને રામાયણનું શિક્ષણ આપવાની સલાહ આપતા કહ્યું હતું કે આ બાબતની અવગણના કરવાથી ઘરની લક્ષ્મી અન્યત્ર જતી રહે છે, પછી ભલે ઘરનું નામ રામાયણ હોય. સ્પષ્ટ છે કે તેમનો કટાક્ષ મુંબઈમાં પોતાના બંગલાનું નામ રામાયણ રાખનાર શત્રુઘ્ન સિંહા સામે હતો. કુમાર વિશ્વાસના કટાક્ષનો કોંગ્રેસી નેતા સુપ્રિયા શ્રીનેતે સહિત સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો હતો.
કુમાર વિશ્વાસના નિવેદનથી વ્યાપક રોષ ફેલાયો હતો. કોંગ્રેસની નેતા સુપ્રિયા શ્રીનેતેએ આ નિવેદનને અશ્લીલ ગણાવીને સવાર કર્યો હતો એક યુવતીના લગ્નની પસંદગીની ટીકા શા માટે થવી જોઈએ. શ્રીનેતેએ દલીલ કરી કે રામાયણનો બોધ પારસ્પરિક પ્રેમ અને સમજદારીનો છે જેની વિશ્વાસે ઉપેક્ષા કરી. શ્રીનેતેએ વિશ્વાસ પર સોનાક્ષીના પતિની આસ્થા પ્રત્યે નફરત ફેલાવવા ધાર્મિક શિક્ષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો.
અન્ય કોંગ્રેસી નેતા સુરેન્દ્ર રાજપુતે પણ આવા જ પ્રકારની લાગણી વ્યક્ત કરી હતી અને વિશ્વાસના નિવેદનની ટીકા કરતા તેને હલકા તેમજ ભગવાન રામ દ્વારા પણ ક્ષમા યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત રાજપુતે વિશ્વાસને તેને પોતાની પુત્રીની પણ યાદ અપાવી હતી અને ચેતવણી આપી હતી કે તેના નિવેદનો ઉલટા પણ પડી શકે છે. રાજપુતે વિશ્વાસ દ્વારા શત્રુઘ્ન સિંહાની પ્રતિષ્ઠા ખરડિત કરવાના પ્રયાસનો આરોપ કરીને તેના નિવેદનોને શરમજનક ગણાવ્યા હતા.
આ વિવાદ પછી સોશિયલ મીડિયા સુધી પણ વિસ્તર્યો હતો જેમાં અનેક નેટિઝનોએ વિશ્વાસના નિવેદનો બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેના પર ધ્યાન આકર્ષવા બદનક્ષીભર્યા નિવેદનો કરવાનો આરોપ કર્યો હતો. વ્યાપક રોષ ફેલાવા છતાં કુમાર વિશ્વાસે હજી સુધી તેની સામેની ટીકાનો જવાબ નથી આપ્યો.