Get The App

કોલ્હાપુરનું 109 વર્ષ જૂનું કેશવરાવ ભોંસલે નાટયગૃહ આગમાં ખાક

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
કોલ્હાપુરનું 109 વર્ષ જૂનું કેશવરાવ ભોંસલે નાટયગૃહ આગમાં ખાક 1 - image


કલાકારો, નાટયરસિકો અને કુસ્તીબાજોને ભારે આઘાત

શોર્ટ સર્કિટથી આગના બનાવ અંગે તપાસના આદેશઃ નવું અદ્યતન  થિયેટર બનાવવાની રાજ્ય સરકારની જાહેરાત

મુંબઇ :  કોલ્હાપુરનું ઐતિહાસિક કેશવરાવ ભોંસલે નાટયગૃહ ભીષણ આગમાં નાશ પામ્યું છે. યોગાનુયોગે પ્રસિદ્ધ ગાયક અને કલાકાર કેશવરાવ ભોંસલેની આજે જન્મજયંતી હતી તે પૂર્વે જ ગુરુવારે લાગેલી આગમાં ૧૦૯ વર્ષ જૂનું નાટયગૃહ સંપૂર્ણ ભસ્મીભૂત થઈ ગયું હતું. છત્રપતિ શાહુ મહારાજના શાસન કાળ વખતનું નાટયગૃહ  નાશ પામતાં સમગ્ર મહારાષ્ટ્રના કલાકારો, નાટય રસિકો ઉપરાંત કુસ્તીબાજો પણ ભારે આઘાતમાં ગરકાવ થઈ ગયા છે. 

આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું કહેવાય છે. જોકે, રાજ્ય સરકારે સમગ્ર બનાવ અંગે તપાસના આદેશ આપ્યા છે. શાહુ મહારાજે ૧૮૮૪થી ૧૯૨૨ દરમિયાન કોલ્હાપુર રજવાડા પર શાસન કર્યું હતું. તે વખતે ૧૯૧૫માં આ નાટયગૃહ બન્યું હતું. હાલ કોલ્હાપુર મહાપાલિકા તેનું સંચાલન કરતી હતી. તા. ૯ અને ૧૦ ઓગસ્ટના રોજ અહીં કેશવરાવ ભોંસલેના જીવન તથા સર્જન પર વિવિધ  કાર્યક્રમો પણ યોજાવાનાના હતા. 

ર ગુરુવારે રાતે ૯.૪૫ કલાકે જનરેટરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૃપ લીધું હતું. અહીં આવેલા નાટયગૃહ અને કુસ્તી માટેનો મંચ બળીને ખાખ થઇ ગયો હતો. દરમિયાન આગને બુઝાવવા માટે ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ૮થી ૯ ગાડીઓ વોટર ટેન્કર અને આગ બુઝાવવાના સાધનો સાથે આવી પહોંચી હતી. ભારે જહેમત ઉઠાવીને મધરાતે ૧૧.૩૦ વાગ્યે આગને કાબૂમાં લીધી હતી, એમ ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.

અનેક કલાકારોની કારકિર્દમાં આ નાટય ગૃહ મહત્વનુ ંપ્લેટફોર્મ સાબિત થયું હતું. અગાઉ આ નાટય ગૃહના રિનોવેશન માટે ૧૦ કરોડનું ભંડોળ પણ ફાળવાયું હતું. હવે રાજ્ય સરકારે સમગ્ર નાટયગૃહના નવ  નિર્માણની જાહેરાત કરી છે. 

રોમથી પાછા ફરી રાજાએ સ્થાનિક કલાકારો માટે નાટયગૃહ બંધાવ્યું

કોલ્હાપુરમાં રજવાડા શાસન વર્ષ ૧૮૮૪થી ૧૯૨૨ સુધીના સમય ગાળામાં રોમથી પાછા ફર્યાબાદ છત્રપતિ શાહૂ મહારાજે વર્ષ ૧૯૧૫માં ખાસબાગ વિસ્તારમાં ગાયક અને અભિનેતા કેશવરાવ ભોંસલેના નામે નાટયગૃહનું નિર્માણ કર્યું હતું. જેને ૧૦૯ વર્ષ પૂરા થયા છે. શાહુ મહારાજે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા થિયેટર બાંધ્યું હતું. આગમાં નાટયગૃહ બળીને ખાખ થશે એવું ધાર્યું ન હતું એમ સી.એમ એ જણાવ્યું.



Google NewsGoogle News