કોલ્હાપુર, સાંગલી, સતારા, નાશિક, રત્નિગિરી પુણે, રાયગઢ જિલ્લામાં મહાપુર
- રાજ્યમાં મેઘરાજનો કાળો કેર
- હેલિકોપ્ટર, એનડીઆરએફ તેમજ નૌકાદળના જવાનોએ બચાવકાર્ય આરંભ્યું : હજારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
મુંબઇ, તા. 07 ઓગસ્ટ 2019, બુધવાર
રાજ્યમાં કેટલાક જિલ્લામાં નિર્માણ થયેલી પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે પૂરપિડીતોની વહારે એનડીઆરએફની ટીમ, નૌકાદળ તેમજ એલલિફ્ટિંગ માટે હેલિકોપ્ટર્સ પણ આવ્યા છે. અહીના બચાવકાર્યનું નિરિક્ષણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ કર્યું હતું. રત્નાગિરી સિંધુદુર્ગ, કોલ્હાપુર, સાંગલી, સતારા, પુણે, નાશિક, પાલઘર અને રાયગઢના જિલ્લાધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બચાવકાર્યનું નિરિક્ષણ કર્યું હતું.
કોલ્હાપુરમાં પંચગંગા,કૃષ્ણા, વારણા નદીના આવેલા પુરને પગલે સાંગલી અને કોલ્હાપુરમાં હાહાકાર મચ્યો છે અને પુરની પરિસ્થિતિ નિર્માણ તઇ છે. ૨૦૪ ગામને પુરનો ફટકો બેઠો છે તો ૫૧ હજાર નાગરિકોને સુરક્ષિત ઠેકાણે ખસેડાયા છે. અત્યાર સુધમાં સાંગલી કોલ્હાપુરના ઘોડાપુરમાં ૧૬ વ્યક્તિ તણાઇ ગઇ હોવાના અહેવાલ છે. બચાવકાર્ય માટે એનડીઆરએફની ૨૨ ટુકડીઓ, નૌકાદળના જવાનો અને એરલિફ્ટિંગ માટે ગોવા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર્સ પણ આવ્યા છે. સાગલીમાંથી કુલ ૫૩,૦૦૦ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. અને પંઢરપુરમાં ૨૦૦૦ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે, મહિલાઓ અને બાળકોને ભારે સમસ્યામાંથી પસાર થવું પડી રહ્યું છે.
પુણે જિલ્લામાં ગામમા પૂર આવવાથી ૩૩૪૩ લોકોને દદ કરાઇ છે અને શિબિરમાં ઘઉં અને ચોખા પણ વિપરિત કરાયા હતા. રાયગઢ જિલ્લામાં ૮ તાલુકામાં ૧૦૫ ટકા વરસાદ પડયો હોવાથી ૩૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે. રત્નાગિરી જિલ્લામાં ૩૮ ડેમ છલોછલ ભરાઇ જતાં ૧૩ ગામમાં પુર આવ્યા છે. નાશિક જિલ્લામાં છેલ્લા ૫૦ વર્ષમાં સર્વાધિક પાણી છોડાયું હોવાથી દરેક ડેમ ૮૦ ટકાથી વધુ ભરાઇ ગયા છે તો થાણે જિલ્લામાંથી ૧૩૦૦૦ નાગરિકોને ખસેડવામાં આવ્યા છે.
રાજ્યમાં જે સ્થળે પૂરનું પાણી ઓસરે ત્યાં પીવાનું શુદ્ધ પાણી, વિજળી અને આરોગ્ય સેવા તાબડતોબ ઉપલબ્ધ કરાવવા માટે અધિકારીઓએ સજ્જ રહેવું એવી સૂચના મુખ્ય પ્રધાને આપી છે. જો વધુ આરોગ્ય સેવા પૂરી પાડતી ટુકડીઓની આવશ્યક્તા જણાય તો મુંબઇથી વધુ ટુકડીઓને પણ મોકલવાનું આશ્વાસન મુખ્ય પ્રધાને આપ્યું હતું. આરોગ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ આ વિષયક આદેશ બહાર પાડયો છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતે અહીંની પૂરસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. કરવીર, શિરોળમાંના આઠ ગામ પૂરની પરિસ્થિતિમાં છે. મુખ્ય પ્રધાને જણાવ્યું કે તેઓ બાળકો મહિલાઓ તેમજ બીમાર વ્યક્તિને ત્યાથી બહાર કાઢવાને પ્રાથમિક્તા આપી રહ્યા છે તે સિવાય પૂર પિડિતોને તાબડતોબ મદદ ઉપલબ્ધ કરાવી આપવાના પણ આદેશ તેમણે જાહેર કર્યા છે.
કોલ્હાપુર-સાંગલીમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મુશળધાર વરસાદ સાથે કાળો કેર વર્તાવી રહ્યો છે. તેવામાં કોલ્હાપુરમાં પહોંચેલી એનડીઆરએફની બચાવ ટુકડીની બોટ બચાવેલા માણસો સાથે ઉથળી જવાની ઘટના બની હતી જો કે એનડીઆરએફના જવાનોએ દરેકને બચાવી લીધા હતાં.
પંચગાગા નદીએ જોખમી સપાટી ઓળંગી હોવાથી અહી મહાપુર આવ્યું છે કેટલાક વિસ્તારોમાં છાતીસમાં પાણી ભરાઇ જતા બચાવવા માટે બોટ લાવવી પડી હતી, પરંતુ વ્હીનસ કોર્નર પાસે દરદીઓને બહાર કાઢતી વખતે આખી બોટ ઉથલી પડી હોવાની દુર્ઘટના બની હતી તે સમયે તેમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિ હતી. બોટ ઉથળી પડતા તેઓ બધા નીચે પડયા હતા પરંતુ તે બધાને જ સુરક્ષિત બચાવી લેવાયા હતાં.