ઘૂંટણ પર છરકો મારી હળદર ભરી કહ્યું સર્જરી થઈ ગઈ, સાડા 7 લાખ પડાવ્યા
અંધેરીના નકલી ડોક્ટરે વૃદ્ધાને ઘરે આવી ને 'ઓપરેશન' કર્યું
ભેજાબાજ તથા તેનો રેફરન્સ આપનારના પણ ફોન બંધઃ અનેક લોકોને છેતર્યા હોવાની શંકા
મુંબઈ : અંધેરીમાં નકલી ડોક્ટરે ઘૂંટણની સર્જરીના નામે વૃદ્ધા સાથે રુ. સાડા સાત લાખની છેતરપિંડી કરી હતી. પોલીસે આ મામલે બનાવટી ડોક્ટર અને તેના અન્ય સાથીદારો સામે કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ૬૧ વર્ષીય વૃદ્ધા તેના પરિવાર સાથે અંધેરીમાં રહે છે. જેમાં વૃદ્ધા દાંતના સારવાર માટે એક આરોપી વિનોદ ગોયલના દવાખાને ગઈ હતી. દાંતની સારવાર દરમિયાન વિનોદે વૃદ્ધાના ઘૂંંટણમાં દુખાવો હોવાથી સારવાર માટે અન્ય ડોક્ટરનો નંબર આપ્યો હતો.
આ બાદ વૃદ્ધાએ ડોક્ટર ઝાફર મર્ચન્ટનો સંપર્ક કર્યો હતો અને ઘૂંંટણની સમસ્યા અંગે જણાવ્યું હતું. જેમાં ઝાફરે વૃદ્ધાનું સરનામું લઈને તેના ઘરે પહોંચ્યો હતો અને ઘૂંંટણ તપાસી તેની સર્જરી કરાવવી પડશે તેમ જણાવ્યું હતું. જેમાં વૃદ્ધાએ સંમતિ દાખવતા ઝફરે ઘરમાં જ બંનેઘૂંંટણ પર છરકો મારીને લોહીં કાઢ્યું હતું અને પછી તેમાં હળદર ભરી દીધી હતી. આ બાદ ઝફરે સર્જરી થઈ ગઈ હોવાનું જણાવતા અને ઘૂંંટણનો દુખાવો મટી ગયો હોવાનો દાવો કરીને ફી તરીકે રુ. ૭.૨૦ લાખ માંગ્યા હતા.
જેમાં વૃદ્ધાએ ઘૂંંટણનો દુખાવો ઠીક થઈ ગયો હોવાનું સમજીને ઝફરને રુ. ૭.૨૦ લાખ ચૂક્વ્યા હતા. જો કે, આ બાદ પણ ઘૂંંટણમાં દુખાવો સતત ચાલુ રહેતા તેમણે ફરી ઝફરનો સંપર્ક કર્યો હતો. જો કે, ઝફરનો મોબાઈલ નંબર સ્વીચ ઓફ બતાવતા તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. તેથી વૃદ્ધાએ વિનોદને સંપર્ક કર્યો હતો અને પોતાની સમસ્યા વિશે જણાવ્યું હતું. આ સમયે વિનોદે વૃદ્ધાને બધુ સારુ થઈ જશે. હું ઝરફને સંપર્ક કરીને તમારી સમસ્યા વિશે જણાવું છું એમ ખોટા વચનો આપ્યા હતા. જો કે , ત્યારબાદ વિનોદનો મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો.
આ ઘટનાના થોડા સમય બાદ, ઝફરના નામના બનાવટી ડોક્ટરે તેમના જ વિસ્તારમાં અન્ય લોકોની સાથે પણ સારવારના નામે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળતા વૃદ્ધાએ ઓશિવરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે આ મામલે ઝફર અને તેના અન્ય સાથી વિનોદ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૧૯(ઢોંગ) અને ૪૨૦ (છેતરપિંડી) કલમ હેઠળ કેસ નોંધ્યો હતો અને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. વધુમાં આ મામલામાં અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી હતી.