Get The App

કિરણ રાવની લાપત્તા લેડીઝ ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
કિરણ રાવની લાપત્તા લેડીઝ ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી 1 - image


આમિરના પ્રોડક્શનની ત્રીજી ફિલ્મ ઓસ્કરની હોડમાં

નિતાંશી ગોએલ, પ્રતિભા રાંટા સહિતના ફિલ્મના કલાકારોએ સજની રે સોંગનો વીડિયો મૂકી એકમેકને અભિનંદન પાઠવ્યાં

મુંબઇ :  કિરણ રાવની ફિલ્મ 'લાપત્તા લેડીઝ' આગામી ૯૭મા  ઓસ્કર એવોર્ડમાં ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલાશે. 'એનિમલ', 'કલ્કિ ૨૮૯૮ એડી', 'ચંદુ ચેમ્પિયન', 'આર્ટિકલ ૩૭૦' સહિતની ૨૯ ફિલ્મોમાંથી આ ફિલ્મની ભારતીય ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પસંદગી કરવામાં આવી છે. 

કિરણ રાવે હજુ થોડા દિવસો પહેલાં જ કહ્યું હતું કે 'લાપત્તા લેડીઝ' ઓસ્કરના મંચ પર પહોંચે એ મારું સપનું છે. 

આમિર ખાન પ્રોડક્શનની આ ફિલ્મના કલાકારો પ્રતિભા રાંટા, નિતાંશી ગોેએલ તથા સ્પર્શ શ્રીવાસ્તવ પણ  આ સમાચારથી  ખુશીથી ઝૂમી ઉઠયા હતા. તેમણે અરિજિત સિંહ માન્ચેસ્ટરમાં આ ફિલ્મનું હિટ ગીત 'સજની રે' લાઈવ ગાઈ રહ્યો છે તેનો વીડિયો શેર કર્યો હતો અને એકમેકને અભિનંદન પાઠવ્યાં હતાં. 

આમિર ખાને બનાવી હોય તેવી આ ત્રીજી ફિલ્મ 'ઓસ્કર'ની હોડમાં પહોંચી રહી છે. આ પહેલાં તેની 'લગાન' તથા 'તારે ઝમી પર ' પણ ઓસ્કરની સ્પર્ધામાં દાખલ થઈ હતી. 

 ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આ ફિલ્મની પસંદગીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ભારતીય સ્ત્રીઓ આજ્ઞાાંકિત પણ હોઈ શકે છે અને બળવાખોર પણ. આ ફિલ્મમાં આ બંને ગુણોનું અજબ  સંયોજન હળવાશભરી રીતે દર્શાવાયું છે. 

ઉલ્લેખનીય છે કે કિરણ રાવે છેલ્લે ૨૦૧૧માં 'ધોબી ઘાટ' ફિલ્મ નું  દિગ્દર્શન કર્યું હતું. તેના ૧૩ વર્ષ પછી કિરણ રાવે 'લાપત્તા લેડીઝ'નું દિગ્દર્શન કર્યું હતું. તે જ વખતે અનેક લોકોએ કોમેન્ટ આપી હતી કે કિરણ આટલાં વર્ષો દિગ્દર્શનથી દૂર રહી તેના કારણે ભારતીય સિનેમાએ કેટલીક ઉત્તમ કૃત્તિઓ ગુમાવી છે. 

ટ્રેનમાં બે નવવધૂઓની અદલાબદલી થઈ ગયા પછીની ઘટનાઓ પર આધારિત ફિલ્મમાં મૂળ કથાની સમાંતર કેવી રીતે સ્ત્રીઓ પોતાના  વ્યક્તિત્વના આંતરિક પાસાંને પણ ખોજે છે તેની વાત વણી લેવાઈ છે. 

ઓસ્કર એવોર્ડઝ આગામી માર્ચમાં યોજાશે. જોકે,  પહેલાં તો શોર્ટલિસ્ટેડ ફિલ્મો અને ફાઈનલ નોમિનેશન સહિતના અનેક કોઠા આ ફિલ્મે વીંધવા પડશે. 

ઓલ વી ઈમેજિન એઝ  લાઈટની  બાદબાકીથી    સિને રસિકો ઉકળી ઉઠયા

ભારતના કેટલાય અઠંગ સિનેમાપ્રેમીઓને 'લાપત્તા લેડીઝ'ની ઓસ્કરમાં સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી ગમી નથી. તેમના મતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવમાં ગ્રાન્ડ પ્રિક્સ જીતનારી પાયલ કાપડિયાની ફિલ્મ 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' ઓસ્કર માટે ભારત તરફથી બહેતર પસંદગી બની હોત. કેટલાક રસિકોએ કોમેન્ટ કરી હતી કે 'લાપત્તા લેડીઝ' એક સારી ફિલ્મ છે તેની ના નહિ પરંતુ તે 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ'ની તોલે તો આવે જ નહીં. કેટલાક ચાહકોએ લખ્યું હતું કે ખુદ ભારત સરકારે પુણેની ફિલ્મ ટેલિવિઝન ઈન્સ્ટિટયૂટમાં આંદોલન માટે પાયલ કાપડિયા સામે કેસો કર્યા છે. આ સંજોગોમાં તેની ફિલ્મ ભારતની સત્તાવાર એન્ટ્રીની હોડમાંથી બાદ થઈ તે સમજી શકાય તેમ છે. કેટલાક ચાહકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ભારત સરકારે પોત ેજ નેશનલ એવોર્ડથી જેને બિરદાવી છે તે મલયાલમ ફિલ્મ  'અટ્ટમ'ને કેમ બાકાત રાખવામાં આવી છે.



Google NewsGoogle News