ખીચડી કૌભાંડના નાણાં સંજય રાઉતના ભાઈ તથા પુત્રીના ખાતામાં જમા થયાં

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
ખીચડી કૌભાંડના નાણાં સંજય રાઉતના ભાઈ તથા પુત્રીના ખાતામાં જમા થયાં 1 - image


મુંબઈ પોલીસની તપાસમાં વિગતો મળી હોવાનો દાવો

ખીચડી બનાવવા રાઉતનાભાઇ સંદીપ રાઉતને 300 સ્કેવર ફીટની જગ્યાના ભાડા પેટે 8 લાખ રૃપિયા મળ્યા હતા

મુંબઇ :  કોવિડકાળમાં  થયેલાં રૃા. ૬.૩૭ કરોડ રૃપિયાના ખીચડી કૌભાંડનો રેલો હવે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત સુધી પહોંચી ગયો છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક અફેર્સ વિંગની તપાસમાં એવું બહાર આવ્યું હોવાનું કહેવાય છે કે આ કૌભાંડ સંબંધિત ૪૫ લાખ રુપિયા સંજય રાઉતના સાથીદાર સુજિત પાટકરનાં ખાતામાં જમા થયા હતા અન ેતે ઉપરાંત સંજય રાઉતના ભાઈ સંદિપના ખાતામાં ૭.૭૫ લાખ અને સંજય રાઉતની દીકરી વિદિતાના ખાતામાં ૧૪.૭૫ લાખ જમા થયા હતા. 

તાજેતરમાં આ પ્રકરણે મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાએ સંજય રાઉતના ભાઇ સંદીપ રાઉતનું નિવેદન નોંધ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ખીચડી બનાવવા તેમણે તેમની ૩૦૦ સ્કવેર ફૂટની જગ્યા ભાડે આપી હતી જેના ભાડા પેટે સહ્યાદ્રી રિફ્રેશમેન્ટ તરફથી તેમના ખાતામાં આઠ લાખ રૃપિયા જમા કરાવવામાં આવ્યા હતા.

આ સંદર્ભે અધિકારીઓનું માનવું છે કે ૩થી ૪ મહિના માટે ૩૦૦ સ્કેવર ફૂટની જગ્યાનું ભાડું  આઠ લાખ રૃપિયા જેટલું વધુ હોઇ શકે નહીં. આ સિવાય સંદીપ રાઉત આ બાબતે કોઇ કોન્ટ્રાક્ટ લેટર કે સંબંધિત દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ નિવડયા હતા.

સંદીપ રાઉતે જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં તેમણે આર્થિક ગુના શાખાને જણાવ્યું હતું કે તેમણે કોઇ ખોટું કામ કર્યું નથી. તેમણે એવો આરોપ કર્યો હતો કે આર્થિક ગુના શાખાએ તેમના બેંક એકાઉન્ટની વિગત પણ માગી હતી. તેમણે આરોપ કર્યો હતો કે તમામ વિગત સંતોષપૂર્ણ રીતે પૂરી પાડયા બાદ પણ તેઓ સંજય રાઉતના ભાઇ હોવાથી તેમને 'લક્ષ્ય' બનાવવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમને ખોટા હેરાન કરવામાં આવી રહ્યા છે તેમ છતાં પોલીસ જ્યારે તેમને બોલાવશે ત્યારે તેઓ હાજર થઇ જરૃરી સહકાર આપશે.

મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખાએ ૬.૩૭ કરોડ રૃપિયાના ખીચડી કૌભાંડ પ્રકરણે સાંસદ સંજય રાઉતના નિકટના મનાતા સુજીત પાટકર, સુનિલ ઉર્ફે બાળા કદમ, સહ્યાદ્રી રિફ્રેશમેન્ટના રાજીવ સાળુંખે અને અન્યો સામે ગુનો નોંધ્યો હતો. આ બાબતે નોંધાયેલી એફઆઇઆર મુજબ પરપ્રાંતિય કામદારો માટે ખીચડી બનાવવાનો કોન્ટ્રાક્ટ વૈષ્ણવી કિચન અને સહ્યાદ્રી રિફ્રેશમેન્ટને આપવામાં આવ્યો હતો. પરંતુ તેમની પાસે પાંચ હજાર લોકો માટે ખીચડી બનાવવા રસોડું ઉપલબ્ધ નહોતું. એક મીટિંગમાં પાલિકાએ એવી સંસ્થા અથવા એનજીઓને કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લીધો હતો જેની પાસે પાંચ હજાર લોકોથી વધુ માટે ભોજન રાંધવા કોમ્યુનિટી કિચનની વ્યવસ્થા હોઇ તેમજ જેની પાસે પાલિકાના આરોગ્ય (હેલ્થ) વિભાગનું સર્ટિફિકેટ હોય. 

એફઆઇઆર મુજબ પાલિકાના તત્કાલિન આસિસ્ટન્ટ કમિશનર (પ્લાનિંગ) એ કદમની અરજી પર વૈષ્ણવી કિચન/ સહ્યાદ્રી રિફ્રેશમેન્ટને ખીચડી બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કરાર મુજબ દરેક પેકેટમાં ૩૦૦ ગ્રામ ખીચડી હોવી જોઇએ પરંતુ ખીચડીનો પેકેટમાં ૧૦૦થી ૨૦૦ ગ્રામ ખીચડી ભરવામાં આવી હતી. પાલિકાએ ખીચડી બનાવવા સહ્યાદ્રી રિફ્રેશમેન્ટને રૃા. ૫.૯૩ કરોડ ચૂકવ્યા હતા.



Google NewsGoogle News