ખીચડી કૌભાંડમાં ઉદ્ધવ જૂથના નેતાઓના ખાતાંમાં લાખો જમા થયા

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
ખીચડી કૌભાંડમાં ઉદ્ધવ જૂથના નેતાઓના ખાતાંમાં લાખો જમા થયા 1 - image


આર્થિક ગુના શાખાની તપાસમાં વ્યવહારો મળ્યા

શિંદે જૂથના સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર પણ ઉદ્ધવ જૂથના નેતા અમોલના ખાતામાં રૃા.50 લાખ અને સૂરજ ચવ્હાણના ખાતામાં રૃા37 લાખ ટ્રાન્સફર

મુંબઈ :  કોરોના દરમિયાન ખિચડી વિતરણના રૃા.૬.૨૭ કરોડના કૌભાંડની તપાસ કરતી આર્થિક ગુના શાખાએ શિવસેના (યુબીટી)ના નેતા અમોલ કીર્તિકર અને યુવા સેનાના કાર્યકર્તા સૂરજ ચવ્હાણના બેન્કના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો શોધી કાઢ્યા છે. બંનેના ખાતામાં મોટી રકમ જમા કરવામાં આવી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

આર્થિક ગુના શાખા ખિચડી કૌભાંડની તપાસ કરી રહી છે. તેમણે બુધવારે શિવસેના ઠાકરે જૂથના અમોલ કીર્તિકરની પાંચ કલાક સઘન પૂછપરછ કરી હતી.

અમોલ લોકસભા સાંસદ ગજાનન કીર્તિકરનો પુત્ર છે. હાલમાં ગજાનન કીર્તિકર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના આગેવાની હેઠળની શિવસેના સાથે છે.

કોરોના વખતે અમોલે ખાનગી કંપનીને મહાનગરપાલિકાનો ખિચડીનો કોન્ટ્રાક્ટ અપાવવામાં મદદ કરી હોવાનું કહેવાય છે.

આર્થિક ગુના શાખાએ નાણાંકીય વ્યવહારોની તપાસ કરતા અમોલના ખાતામાં રૃા.૫૦ લાખ અને ચવ્હાણના ખાતામાં રૃા.૩૭ લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું માલૂમ પડયું છે.

આ રકમ તેમને શા માટે ચૂકવવામાં આવી હતી એની એજન્સી તપાસ કરી રહી છે.

ફોર્સવના મલ્ટી સર્વિસીસના ખાતામાંથી ફેબુ્રઆરી ૨૦૨૧માં આ રકમ ટ્રાન્સફર કરાઈ હતી.

બંનેએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ ફોર્સવન કંપનીમાં સલાહકાર તરીકે કામ કરે છે. તેમનું આ રકમ પગાર તરીકે મળી હતી.

આર્થિક ગુના શાખાએ જરૃરી દસ્તાવેજો સાથે હાજર થવાનો આદેશ આપ્યો છે.

ખિચડી કૌભાંડમાં સુજીત પાટકરને પણ રૃા.૪૫ લાખ મળ્યા હોવાનું સામે આવ્યું છે. રૃા.૧૬માં બનેલી ખિચડી રૃા.૩૩માં વેચાતી હતી. અન્ય રાજકીય નેતાઓને પણ આ કૌભાંડથી પૈસા આપવામાં આવ્યા છે કે કેમ એની તપાસ  થઈ રહી છે.

કોરોના વખતે પાલિકાએ પરપ્રાંતિય કામદારોને ખિચડી પૂરી પાડવા માટે બાવન કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પ્રથમ વાર મહિનામાં ચાર કરોડ ખિચડી પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ એમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરાયો હતો. 

ખિચડી કૌભાંડમાં આર્થિક ગુના શાખાએ ૧ સપ્ટેમ્બરના આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



Google NewsGoogle News