નરેશ ગોયલને વધુ સમય હોસ્પિટલમાં રાખોઃ ઈડી દ્વારા જામીનનો વિરોધ
ગોયલની અરજી પર છઠ્ઠીએ નિર્ણયની સંભાવના
વૃદ્ધ પતિ- પત્ની બંનેને કેન્સર છે ત્યારે સાથે રહેવા દેવા નરેશ ગોયલે જામીન માગ્યા છેઃ બંને એક જ હોસ્પિટલમાં છે અને મળી શકે છે તેવી ઈડીની દલીલ
મુંબઈ : મની લોન્ડરિંગના કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે તબીબી કારણસર માગેલા વચગાળાના જામીનનો વિરોધ કરીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જણાવ્યું હતું કે તેમને ખાનગી હોસ્પિટલમાં વધુ એક મહિનો રાખવામાં આવી શકે છે.
મેડિકલ અને માનવતાના ધોરણે ગોયલે વચગાળાના જામીન માગ્યા હતા અને જણાવ્યું હતું કે પોતે , પત્ની અનિતા બંને કેન્સરથી પીડાય છે.
સિંગલ જજ જામદારની બેન્ચે છઠ્ઠી મેએ આદેશ અપાશે એમ જણાવ્યું હતું. વિશેષ કોર્ટે ફેબુ્રઆરીમાં ગોયલને જામીન નકારીને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની અને સારવાર લેવાની પરવાનગી આપી હતી.
ઈડીના વકિલે જોકે અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે તપાસ એજન્સીને વાંધો નથી જો તેમને હોસ્પિટલમાં વધુ સમય રાખવામાં આવે.
કોર્ટે નોંધ કરી હતી કે કોઈ બંધન વિના સારવાર લેવામાં ફેર પડે છે. ઈડીના વકિલે જણાવ્યું હતું કે હમણા પણ કોઈ બંધન નથી. તેમને પસંદગીની હોસ્પિટલમાં અને પસંદગીના ડોક્ટર પાસે સારવાર મળી રહી છે. પત્ની પણ એજ હોસ્પિટલમાં છે અને કોઈ જાતનું બંધન નથી તેઓ એકબીજા સાથે સમય પણ પસાર કરે છે. કોર્ટે તેમને વધુ સમય હોસ્પિટલમાં રાખીને તબીબી અહેવાલ મગાવીને તબિયત ચકાસી શકે છે.
ગોયલના વકિલે દલીલ કરી હતી કે તેમની માનસિક અવસ્થા પણ કથળી રહી છે તેમની પત્ની છ મહિના જીવશે એમ કહેવાયું છે. તેમને એક બીજાના પ્રેમ અને હૂંફની જરૃર છે.