યસ બેન્ક-ડીએચએફએલ લોન ફ્રોડ કેસમાં કપિલ વાધવાને જામીન મંજૂર
રૃ. 4000 કરોડના કૌભાંડ સંબંધે વિશેષ કોર્ટની રાહત
કસૂરવાર ઠેરવ્યા વિના બેમુદત જેલવાસ બંધારણીય અધિકારનો ભંગ : અદાલતની ટિપ્પણી
મુંબઈ : વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક હિતના અધિકાર વચ્ચે સમતુલા જાળવવાની જરૃર છે અને સુનાવણીમાં વિલંબ થયાનું ટાંકીને વિશેષ સીબીઆઈ કોર્ટે યસ બેન્ક સંબંધી લોન ફ્રોડના કેસમાં ડીએચએફએલના ભૂતપૂર્વ ડિરેક્ટર કપિલ વાધવાને જામીન મંજૂર કર્યા છે.
વિશેષ જજ એ. સી. દગ્ગાએ આદેશમાં નોંધ કરી હતી કે આર્થિક ગુનાની સમાજ પર અવળી અસર પડે છે પણ આરોપીઓને સુનાવણી શરૃ થશે એવી કોઈ આશા વિના વર્ષો સુધી અટકાયતમાં રાખી શકાય નહીં.
ગુનાના કસૂરવાર ઠેરવ્યા વિના લાંબો સમય જેલવાસમા ંરાખવાની પરવાનગી આપી શકાય નહીં કેમ કે આ વસ્તુ બંધારણ હેઠળ અપાયેલા જીવવાના અધિકાર અને અંગત સ્વતંત્રતાની વિરુદ્ધ છે.
૨૬ એપ્રિલ ૨૦૨૦માં કપિલ વાધવાની ધરપકડ કરાઈ હતી અને ત્યારથી અદાલતી કસ્ટડીમાં છે. જોકે તેઓ હજી જેલમાંથી બહાર આવશે નહીં કેમ કે અન્ય કેસમાં હજી જામીન મળ્યા નથી.
આ કેસ યસ બેન્ક-ડીએચએફએલના રૃ. ૪૦૦૦ કરોડના કૌભાંડ સંબંધી છે જેમાં જેમાં રાણા કપૂરે સ્થાપેલી ખાનગી બેન્કે કપિલ વાધવા સહિત ડીએચએફએલના એ વખતના પ્રમોટરો સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હોવાનો આરોપ છે. યસ બેન્કે ડીએચએફએલમાં રૃ. ૩૯૮૩ કરોડનું રોકાણ કર્યું હતું. બાદમાં રૃ.૬૦૦ની કટકીના બદલામાં કંપનીને બેન્કે લોન મંજૂર કરી હતી. આ ઉપરાંત વાધવા સામે સીબીઆઈ અને ઈડીના અન્ય અનેક કેસો નોંધાયેલા છે.