શાહરુખને હત્યાની ધમકી આપનારા કાનપુરના વકીલની ધરપકડ
કાનપુરથી મુંબઈ લાવવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવાયા
વકીલના મોબાઈલથી મુંબઈ પોલીસને ફોન કરી શાહરુખ પાસે રૃ.50 લાખની ખંડણી માંગવામાં આવી હતી
મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૃખ ખાનને રૃ . ૫૦ લાખની ખંડણી માટે મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં છત્તીસગઢની રાજધાની રાયપુરના એક વકીલની મુંબઈ પોલીસે મંગળવારે ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
વકીલને રાયપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મુંબઈ પોલીસને તેના ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા.આરોપીને વધુ તપાસ માટે મુંબઈ લઈ જવાની મંજૂરી આપી હતી.
ગત ૭ નવેમ્બરના મુંબઈ પોલીસની ટીમે આ કેસની તપાસના ભાગરૃપે રાયપુરની મુલાકાત લીધી હતી.વકીલ ફૈઝાન ખાનના નામે નોંધાયેલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને મુંબઈમાં પોલીસ સ્ટેશનમાં કોલ કરી શાહરુખ ખાનને મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.આથી તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.
રાયપુરના સિનિયર સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (એસએસપી) સંતોષ સિંહે જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે મંગળવારે સવારે છત્તીસગઢના રાયપુરમાં સ્થાનિક પોલીસને જાણ કરી હતી કે તેમણે અભિનેતાને ધમકીભર્યા કોલની તપાસના ભાગરૃપે ફૈઝાન ખાનની પાંડરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરી છે.
પ્રારંભિક માહિતીને ટાંકીને, એસએસપીએ કહ્યું કે ધમકી અને ખંડણીનો કોલ ફૈઝાન ખાનના નામ પર નોંધાયેલા ફોનનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો.
આરોપી વકીલે પૂછપરછ દરમિયાન તપાસકર્તાઓને કહ્યું કે તેનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો છે અને તેણે બીજી નવેમ્બરના રોજ રાયપુરના ખામરડીહ પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ફરિયાદ નોંધાવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
મુંબઈ પોલીસને ધમકીભર્યા કોલ સાથે ફૈઝાન ખાનની કડી મળી હશે, આથી તેને પકડીને વધુ તપાસ હાથ ધરી છે, એમ સિંહે કહ્યું હતું.
મુંબઈ પોલીસે ફૈઝાન ખાનને વી સિવિલ જજ જુનિયર ડિવિઝન ધારિની રાણાની કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેના ૧૫ નવેમ્બર સુધી મુંબઈ પોલીસને ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે, એમ અહીંના અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ફૈઝાનના વકીલે તેની ફરીથી તબીબી તપાસની માંગ કરી હતી. જેને કોર્ટે નકારી કાઢી હતી.
મુંબઈના બાંદરા પોલીસ સ્ટેશનમાં પાંચ નવેમ્બરે શાહરૃખ ખાનને મારી નાખવાની ધમકી અને રૃ.૫૦ લાખની ખંડણીની માંગણી કરનાર અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો.અભિનેતાનું ઘર બાંદ્રામાં આવેલું છે. ત્યારબાદ અજાણ્યા ફોન કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
બાંદર પોલીસ દ્વારા કોલ કરનાર આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૪) અને ૩૫૧(૩)(૪) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા અભિનેતા સલમાન ખાનને અગાઉ અનેક વખત મારી નાખવાની ધમકી અપાઈ છે. આ ઉપરાંત બાંદરમાં સલમાનના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર કરવામાં આવ્યો પનવેલમાં સલમાનના ફાર્મ હાઉસની રેકી પણ કરાઈ હતી.
એનસીપી નેતા અને સલમાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની બિશ્નોઈ ગેંગ દ્વારા ગત ૧૨ ઓક્ટોબરના ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યાં શાહરુખ ખાનને ધમકી મળતા ચકચાર જાગી હતી.
ગયા અઠવાડિયે રાયપુરમાં પત્રકારો સાથે વાત કરતાં ફૈઝાન ખાને દાવો કર્યો હતો કે તેનો ફોન ચોરાઈ ગયો હતો.ખાનને તેના મોબાઈલ ફોનથી ધમકીભર્યા કોલ કરવાના મામલાને પોતાની વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું.
મારો ફોન બીજી નવેમ્બરે ચોરાઈ ગયો હતો અને મેં ફરિયાદ નોંધાવી હતી. મેં મુંબઈ પોલીસને તેના વિશે જણાવ્યું હતું. તેમણે લગભગ બે કલાક સુધી મારી પૂછપરછ કરી હતી, એમ ફૈઝાને કહ્યું હતું.
જોકે આરોપી વકીલે વધુમાં જણાવ્યું હતું કે તેણે અગાઉ શાહરૃખ ખાન વિરુદ્ધ તેની ફિલ્મ 'અંજામ' (૧૯૯૪)માં હરણના શિકારનો ઉલ્લેખ કરતા ડાયલોગ બદલ મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી.હું રાજસ્થાનનો વતની છું. બિશ્નોઈ સમુદાય (જેના સભ્યો મુખ્યત્વે રાજસ્થાનમાં રહે છે) મારા મિત્ર છે. હરણનું રક્ષણ કરવું તેમના ધર્મમાં છે. તેથી જો કોઈ મુસ્લિમ હરણ વિશે આવું કંઈ કહે તો તે નિંદનીય છે.