પોતે લોકસભા ચૂંટણી લડવાની હોવાનો કંગનાનો ઈનકાર
ચૂંટણીની અટકળોને અફવા ગણાવી
ચંડીગઢમાં કિરણ ખેરની જગ્યાએ કંગનાને ટિકિટ મળવાની હોવાની અટકળો
મુંબઇ : કંગના રણૌતે પોતે લોકસભા ચૂંટણી લડવાની છે એ વાત નરી અફવા હોવાનું જણાવ્યું છે. કંગનાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સ્પષ્ટતા કરી હતી.
એક અટકળ અનુસાર હાલ ચંડીગઢની બેઠક પરથી અનુપમ ખેરનાં પત્ની અને અભિનેત્રી કિરણ ખેર સાંસદ છે તેમના સ્થાને આ વખતે કંગનાને ટિકિટ આપવામાં આવશે.
જોકે, કંગનાએ આ અફવા નકારી કાઢી છે. કંગનાએ સાફ જણાવ્યું છે કે આ નરી અટકળો છે તેનાથી વિશેષ કશું નથી.
કંગના ભાજપની સમર્થક હોવાનું જાણીતું છે. તે સતત સરકારનો બચાવ કરતી હોય છે અને મહત્વના મુદ્દાઓ પર ભાજપની વિચારધારા પ્રમાણેનાં મંતવ્યો પ્રગટ કરતી હોય છે.
થોડા સમય પહેલાં કંગના ગુજરાતના દ્વારકા આવી હતી ત્યારે તેણે કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મળશે તો પોતે રાજકારણમાં ઝંપલાવશે.
કંગનાની ફિલ્મ કારકિર્દી ખતમ થઈ ચૂકી છે. ૨૦૧૫ પછી તેની કોઈ હિટ ફિલ્મ આવી નથી. હવે તેની પાસે ગણી ગાંઠી જ ફિલ્મો છે. તેના પરથી તે રાજકારણ તરફ વળી જશે તેવી ચર્ચા અવારનવાર થતી રહે છે.