કંગના ભાજપના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડશે
કંગનાના પિતાએ જ દાવો કર્યો
ખુદ કંગના અગાઉ ચૂંટણી લડવા અંગે વિરોધાભાસી નિવેદનો કરી ચુકી છે
મુંબઇ : કંગના રણૌત આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી લડવની છે તે વાત લાંબા સમયથી ચાલી રહી છે. હવે અભિનેત્રીના પિતાએ આ અટકળોને સમર્થન આપ્યું છે.
કંગનાના પિતા અમરદીપ રણૌતે મીડિયાને જણાવ્યું હતું કે કંગના ભાજપની ઉમેદવાર બનશે તે નક્કી છે પરંતુ બેઠક હજુ નક્કી નથી.
રવિવારે કંગનાએ કુલ્લૂના શાસ્ત્રી નગર સ્થિતના પોતાના આવાસ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. આ પછી કંગના ભાજપમાંથી ચૂંટણી લડી રહી હોવાની અટકળોએ વેગ પકડયો છે.
જોકે, કંગના ખુદ ચૂંટણી લડવા અંગે વિરોધાભાસી નિવેદનો આપી ચુકી છે. થોડા સમય પહેલાં તેણે ગુજરાતના દ્વારકામાં કહ્યું હતું કે હું ચૂંટણી લડવા તૈયાર છું. પરંતુ, બાદમાં તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અટકળોને ફગાવી હતી.
ભાજપ ચંડીગઢમાં અનુપમ ખેરનાં પત્ની કિરણ ખેરની ટિકિટ કાપી ત્યાંથી કંગનાને ઉમેદવાર બનાવશે તેવી અટકળો છે. જોકે, કંગનાએ પોતે કિરણ ખેરનું પત્તું કાપશે તેવી અફવા ફગાવી છે. બીજી તરફ કંગના હિમાચલ પ્રદેશમાં મંડીની બેઠક પરથી પણ ઝંપલાવી શકે છે તેમ મનાય છે.
આઠ વર્ષથી કંગનાની તમામ ફિલ્મો લાગલગાટ ફલોપ થઈ છે. તેની બોલીવૂડ કેરિયર લગભગ ખત્મ થઈ ચૂકી છે. આથી, તે રાજકારણમાં ઝંપલાવે તેમ મનાય છે.
કંગના સોશિયલ મીડિયા તથા અન્ય જાહેર મંચો પર કેન્દ્રની ભાજપ સરકારની પ્રશંસા કરતી તથા તેની નીતિઓ તથા નિર્ણયોને સમર્થન આપતી જોવા મળે છે. થોડા સમય પહેલાં તેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.