ચંડીગઢ એરપોર્ટ પર CISFની જવાને કંગના રણૌતને તમાચો ફટકારી દીધો
- સિક્યોરિટી ચેક વખતે કૃત્ય: તત્કાળ અટકાયત સાથે સસ્પેન્ડ કરાઈ
- કંગનાએ મહિલાઓ 100-100 રૂપિયા લઈ કિસાન આંદોલનમાં બેઠી છે તેમ કહ્યું હતું, તેમાં મારી માં પણ હતી : કુલવિંદર
- ચૂંટાયા બાદ પહેલી વખત દિલ્હી જતી વખતે ઘટના બાદ કંગનાએ કહ્યું, પંજાબમાં ત્રાસવાદ વધી ગયો છે
મુંબઇ : તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા બાદ પહેલીવાર હિમાચલથી દિલ્હી જઈ રહેલી અભિનેત્રી કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ પર શારીરિક તપાસ કરતી વખતે કુલવિંદર કૌર નામની સીઆઈએસએફની જવાને તમાચો ફટકારી દીધો હતો. કંગનાએ ખેડૂત આંદોલન વખતે કરેલાં ઉચ્ચારણોથી નાખુશ કુલવિંદર કૌરે કંગના તેની પાસે આવી કે તરત જ લાફો ફટકારી દીધો હતો. આ મહિલા જવાનની તત્કાળ અટકાયત કરી લેવામાં આવી હતી અને તેને સસ્પેન્ડ પણ કરી દેવાઈ છે. સીઆઈએસએફ દ્વારા આ બનાવ અંગે તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર એરપોર્ટ પર ભારે ઉત્તેજના વ્યાપી હતી. કંગનાની સાથેના વ્યક્તિએ પણ આ જવાનને સામો તમાચો ફટકારી દેવાની કોશિશ કરી હોવાનું દર્શાવતો વીડિયો વાયરલ થયો છે.
કંગના દિલ્હી જવા માટે ચંડીગઢથી દિલ્હીની ફલાઈટ પકડી રહી હતી.આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તે એરપોર્ટમાં સિક્યોરિટી તપાસ માટે મહિલાઓ માટે બનાવેલાં આડશ ધરાવતાં બૂથમાં દાખલ થઈ હતી. આ વખતે મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌર ત્યાં ફરજ પર હાજર હતી. કંગનાની સાથે પ્રવાસ કરી રહેલા તેના સાથીદાર મયંક મધુરના જણાવ્યા અનુસાર આ કોન્સ્ટેબલે કંગનાને લાફો ફટકારી દીધો હતો. તે કંગનાએ કિસાન આંદોલન વખતે કરેલી ખાલિસ્તાની તત્વો અંગેની કોમેન્ટથી નાખુશ હોવાનું જણાતું હતું.
બાદમાં કંગનાએ ખુદ આ બનાવને સમર્થન આપતો એક વીડિયો રીલિઝ કર્યો હતો. તેમાં તેણે જણાવ્યું હતું કે હું સિક્યોરિટી ચેકમાંથી પસાર થયા પછી આગળ વધી ત્યારે બીજી કેબિનમાં મહિલા જવાને હું આગળ આવું અને તેને ક્રોસ કરું ત્યાં સુધી રાહ જોઈ હતી. તેણએ તરત જ એક સાઈડમાંથી આવીને મને લાફો ફટકારી દીધો હતો અને અપશબ્દો ઉચ્ચારી ગેરવર્તાવ પણ કર્યો હતો. મેં તેને પૂછ્યું હતું કે તેણે આવું કેમ કર્યું તો કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે તે ખેડૂત આંદોલનને સપોર્ટ કરી રહી છે. કંગનાએ કહ્યું હતંિ કે આ બનાવની ચર્ચા પ્રસર્યા પછી દેશભરમાંથી તેને લોકોના ફોન તથા મેસેજ આવી રહ્યા છે. સૌ મારી સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ હું બિલકુલ સુરક્ષિત છું. પરંતુ, મને તો પંજાબમાં જે રીતે આતંકવાદ વધી રહ્યો છે અને તેની સામે જે રીતે કામ લેવામાં આવી રહ્યું છે તેની મને ચિંતા છે.
કંગનાના નિવેદનની સમાંતર જ કુલવિંદર કૌરનો પણ પણ એક વિડીયો વાયરલ થયો હતો. કુલવિંદરે કબૂલ્યું હતું કે પોતે કંગનાને લાફો માર્યો છે. તેણે કહ્યું હતું કે કિસાન આંદોલન ચાલતું હતું ત્યારે કંગનાએ એવું નિવેદન કર્યું હતું કે આ આંદોલનમાં મહિલાઓ ૧૦૦-૧૦૦ રુપિયા લઈને ધરણાં પર બેઠી છે. એ ધરણામાં બેસનારી મહિલાઓમાં મારી માતા પણ હતી.
કંગનાની સાથે રહેલા મયંક મધુરે આ મહિલા કોન્સ્ટેબલને પણ લાફો મારવાની કોશિશ કરી હોવાનું બનાવ સંદર્ભમાં વાયરલ થયેલા વીડિયોમાં જણાય છે.
બનાવની જાણ થતાં ચંડીગઢના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરત જ એરપોર્ટ પર દોડી ગયા હતા. કુલવિંદર કૌર સામે એફઆઈઆર દાખલ કરી તેને અટકાયતમાં લેવાઈ હતી. સીઆઈએસએફ દ્વારા પણ તેને તત્કાળ સસ્પેન્ડ કરી દેવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં કિસાન આંદોલન ચાલતું હતું ત્યારે મોહિંદર કૌર નામની વયોવૃદ્ધ મહિલા કમર ઝૂકી ગઈ હોવા છતાં પણ આંદોલનનો ધ્વજ પકડીને ચાલી રહી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ મહિલા કિસાન આંદોલનના મહિલા ફેસ તરીકે પ્રખ્યાત બની હતી. આ અરસામાં કંગનાએ મોહિન્દર કૌરની તસવીર શેર કરી તેની સરખામણી સીએએ વિરોધી આંદોલનમાં સામેલ થયેલી શાહિનબાગની ૮૨ વર્ષીય વૃદ્ધા બિલકિસ બાનો સાથે કરી હતી અને લખ્યું હતું કે હા આ એ જ દાદી છે જેને ટાઈમ મેગેઝિન દ્વારા વિશ્વની સૌથી ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કરાઈ છે. પરંતુ, આવી મહિલાઓ તો ૧૦૦-૧૦૦ રુપિયા માટે આંદોલનમાં ઉપલબ્ધ હોય છે.
બાદમાં વિવાદ થતાં કંગનાએ આ ટ્વિટ ડિલીટ પણ કરી દીધું હતું.
દરમિયાન રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ આ બનાવ સંદર્ભમાં મહિલા કોન્સ્ટેબલ સામે કડકમાં કડક પગલા લેવાની તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહિલા પંચે આ મામલે સીઆઈએસએફનાં વડાં મથકમાં રજૂઆત કરી છે. આ કોન્સ્ટેબલ સામે કડક પગલાં ભરાય તેવી અમારી માંગ છે.
કંગના તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મંડી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સામે ૭૪૦૦ કરતાં વધારે મતે જીતી ચૂકી છે.