જાવેદ અખ્તરના બદનક્ષીના કેસમાં કંગનાએ પણ હાઈકોર્ટમાં સ્ટે માગ્યો
ચેનલ પર રનૌતની મુલાકાતમાં કરેલા નિવેદનને લઈ ફરિયાદ
પોતાના કેસ પર સ્ટે અને અખ્તરનો કેસ ચાલુ રાખવો અન્યાયકારી ગણાવ્યું
મુંબઈ: અભિનેત્રી કંગના રનૌત સામે બદનક્ષીનો આરોપ કરતા ગીતકાર જાવેદ અખ્તરના કેસ પર સ્ટે માગતી અરજી કંગનાએ હાઈ કોર્ટમાં કરી છે. ન્યા. રેવતિ મોહિતે ઢેરે અને મજુશા દેશપાંડેની બેન્ચ સમક્ષ નવ જાન્યુઆરીએ સુનાવણી થવાની આશા છે.
ટીવી પરની મુલાકાત દરમ્યાન કરેલી ટિપ્પણી સામે વાંધો ઉઠાવીને અખ્તરે રનૌત સામે ફરિયાદ કરી હતી. ૨૦૧૬માં અખ્તર સાથે કંગનાની મુલાકાત વિશે આ ટિપ્પણી હતી.દરમ્યાન રનૌતે પણ અખ્તર સામે ફોજદારી કાવતરું,ખંડણી અને ગુપ્તતાનો ભંગ કરીને વિનયભંગ કરવાનો આરોપ કર્યો હતો.
૨૪ જુલાઈ ૨૦૨૩ના રોજ અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે અખ્તર સામેના ખંડણીના આરોપ પડતા મૂક્યા હતા અને તેમને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતુંં. અખ્તરે સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યા હતા.સેશન્સ કોર્ટે અપીલની સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેસની કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો.
હવે કંગનાએ હાઈ કોર્ટમાં અખ્તરની ફરિયાદ પરથી થયેલા કેસ પર સ્ટે માગતી અરજી કરી છે. અરજીમાં જણાવ્યું છે કે બંની ફરિયાદો એક જ ઘટનામાંથી ઉદ્ભવી છે અને આથી બંને કેસ સાથે ચલાવા જોઈએ જેથી વિરોધાભાસી ચુકાદા આવે નહીં.
પોતાની ફરિયાદ પરના કેસ પર સ્ટે અપાયો છે અને અખ્તરની ફરિયાદ પરનોકેસ ચાલુ છે જે અન્યાયકારી અને કુદરતી ન્યાય વિરોધી છે. વિવાદની સચ્ચાઈ બહાર લાવવાનો રનૌતનો કેસ છે અખ્તરની નહીં. અખ્તરની અપીલ પર નિર્ણય આવે ત્યાં સુધી તેમનો કેસ પણ ચાલવો જોઈએ, એવી રજૂઆત કંગના વતી કરવામાં આવી હતી.