કલ્યાણ (ઇ)ના ધારાસભ્ય ગણપત ગાયકવાડ ગોળીબારમાં ઘાયલ, શિંદે જૂથના મહેશ ગાયકવાડની તબિયત ગંભીર

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
કલ્યાણ (ઇ)ના ધારાસભ્ય ગણપત ગાયકવાડ ગોળીબારમાં ઘાયલ, શિંદે જૂથના મહેશ ગાયકવાડની તબિયત ગંભીર 1 - image


ઉલ્હાનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનમાં ગોળીબાર

મુખ્ય પ્રધાન શિંદે મહેશ ગાયકવાડની ખબર કાઢવા થાણેની હોસ્પિટલમાં પહોંચી ગયા

મુંબઈ: ઉલ્હાસનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનમાં શુક્રવારે મોડી રાત્રે ભાજપના કલ્યાણના ધારાસભ્ય ગણપત ગાયકવાડે કહેલ ગોળીબારમાં જખ્મી બનેલા કલ્યાણ (ઇ) વિભાગના શિવસેના-શિંદે જૂથના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડની તબિયત ગંભીર હોવાની માહિતી થાણેની જ્યુપિટર હોસ્પિટલે આપી હતી. જ્યારે ગોળીબારની ઘટનામાં ઘાયલ અન્ય વ્યક્તિ રાહુલ પાટિલની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું. ડોક્ટરોની એક ટીમ આ બન્ને ઘાયલો પર બારીકાઈની નજર રાખી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઘટનાને લીધે કલ્યાણ-ઉલ્હાસનગર સહિત સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.

ડીસીએમ અને ગૃહ પ્રધાન ફડણવીસે તપાસનો આદેશ આપ્યો

ઉલ્હાસનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનમાં સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ જગતાપની કેબિનમાં શુક્રવારે રાત્રે ધારાસભ્ય ગણેશ ગાયકવાડ અને શિંદેજૂથના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ બન્ને બેઠા હતા. બન્ને વચ્ચે ચાલતા વિવાદના સમાધાન માટે બન્નેને બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ જોરદાર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ રોષે ભરાયેલા ગણેસ ગાયકવાડે મહેશ પર ગોળીબાર કરી દીધો હતો. જેમાં મહેશ અને તેનો સાથી રાહુલ પાટીલ બન્ને ગંભીર ઘાયલ થયા હતા. આ ઘટના બાદ બન્નેને તાત્કાલિક થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બાબતે હોસ્પિટલે બહાર પાડેલા મેડિકલ બુલેટિન મુજબ મહેશ ગાયકવાડને શુક્રવારે મોડી રાત્રે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેના શરીર પર ગોળીબારની ઈજાના ઘમા નિશાન મળી આવ્યા હતા. તેમને તરત જ આઇસીયુમાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે તેમના પર સર્જરી કરી ગોળીઓ બહાર કાઢવામાં આવી હતી.

આ ઘટના બાદ પોલીસે ધારાસભ્ય ગણેશ ગાયકવાડ સહિત કુલ ત્રણ જણની ધરપકડ કરી હતી. આ સંદર્ભે વધુ વિગત આપતા સ્થાનિક ડીસીપી સુધાકર પાઠારેએ જણાવ્યું હતું કે ગોળીબારની આ ઘટનામાં કુલ છ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે ઉલ્હાસનગર સહિત કલ્યાણ-ડોમ્બિવલીમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

મુખ્ય પ્રધાન શિંદેએ આ ઘટના બાદ આજે બપોરે હોસ્પિટલમાં જઈ મહેશ ગાયકવાડની ખબર કાઢી હતી. ગાયકવાડ ગંભીર અવસ્થામાં વેન્ટિલેટર પર હોવાથી તેમણે તેમની સારવાર કરતા ડોક્ટરો સાથે વાત કરી તેમના સ્વાસ્થ્યની વધુ વિગત મેળવી હતી.

આ સમગ્ર ઘટના બાબતે વધુ વિગત આપતા એડિશનલ કમિશનર સીપી શિંદેએ જણાવ્યું હતું કે ગણપત ગાયકવાડનો પુત્ર પોલીસ સ્ટેશનમાં એક જગ્યાના વિવાદને લઈ ફરિયાદ નોંધાવવા આવ્યો હતો. આ સમયે મહેશ ગાયકવાડ પણ તેના સમર્થકો સાથે ત્યાં આવી ચડયા અને થોડા સમયમાં ધારાસભ્ય ગણપત ગાયકવાડ પણ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા. આ સમયે બન્ને વચ્ચે જોરદાર વિવાદ થયો હતો અને વિવાદ વધુ વકરતા ગણપત ગાયકવાડે ગન બહાર કાઢી ગોળીબાર કરતા મહેશ ગાયકવાડ અને તેનો સહયોગી રાહુલ પાટીલ ગંભીર ઘવાયા હતા. 

મુખ્ય પ્રધાન શિંદે મહારાષ્ટ્રમાં ગુંડારાજ ઊભું કરી રહ્યા છે ઃ ગણપત ગાયકવાડ

આ ઘટના બાદ ગણપત ગાયકવાડે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હાં, મે આ ગોળીબાર કર્યો છે અને તેનો મને કોઈ પસ્તાવો નથી. મારા પુત્રની પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ મારપીટ કરવામાં આવી રહી હતી.

હું બીજું શું કરી શકતો હતો તેથી મે ગોળીબાર કર્યો હતો. ગાયકવાડે ચેનલને વધુમાં જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં ગુડારાજ ઊભું કરી રહ્યા છે. પોતે કરેલું કૃત્ય સ્વબચાવમાં કર્યું હોવાનું જણાવી ગાયકવાડે સ્પષ્ટ કર્યું હતું કે 'જ્યાં સુધી એકનાથ શિંદે મુખ્ય પ્રધાન છે ત્યાં સુધી મહારાષ્ટ્રમાં ફક્ત ગુનેગારો જ પાકતા રહેશે.' શિંદેએ મારા જેવા સજ્જનને પણ ગુનેગાર બનાવી દીધો છે.' આ પ્રકરણે વધુ ટિપ્પણી કરતા ગાયકવાડે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનના સાંસદપુત્ર શ્રીકાંત શિંદે અમે કરેલા કાર્યોનું શ્રેય લઈ પોતાના બેનરો લગાવતા ફરે છે. આ બાબતે મેં અમારા વરિષ્ઠો સમક્ષ ઘણીવાર રજૂઆત કરી હતી કે આ લોકો અમારા પદાધિકારીઓ સામે હિંસામાં સંડોવાયેલા છે.

ગણપત ગાયકવાડે વધુમાં સપ્ષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમણે દસ વર્ષ પહેલા એક પ્લોટ ખરીદ્યો હતો. આ બાબતે અમૂક કાયદાકીય ગૂંચવણ હતી, પણ અંતે તેઓ કોર્ટમાં કેસ જીતી ગયા હતા, પણ મહેશ ગાયકવાડે બળ પ્રયોગથી આ પ્લોટ પચાવી પાડયો હતો. મારો પુત્ર જ્યારે આ બાબતે ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે આ ઘટના બની હતી. એક પિતા તરીકે કોઈ મારા પુત્રને મારે એ મારાથી સહન થયું નહોતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શિંદે સાહેબે ઉદ્ધવ ઠાકરે સાથે દગો કર્યો હતો તેઓ ભાજપ સાથે પણ દગો કરશે. તેમણે મારા પાસેથી કરોડો રૂપિયા લીધા છે. જો મહારાષ્ટ્રને મહાન રાખવું હશે તો મારી ફડણવીસ અને વડા પ્રધાન મોદીને વિનંતી છે કે એકનાથ શિંદેને દૂર કરે.

ઘટનાની તપાસ માટે સીટની સ્થાપના

આ ઘટના બાદ ડીસીએમ દેવેન્દ્ર ફડણવીસે ફાયરિંગની આ ઘટના બાબતે ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો. ફડણવીસે જણાવ્યું હતું કે ઉલ્હાસનગરમાં બનેલી ઘટના ગંભીર છે. ફડણવીસે જણાવ્યું હતું કે આ બાબતે તેમણે રાજ્યના પોલીસ વડા (ડીજીપી)ને એક ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો. ફડણવીસે જણાવ્યું હતું કે કાયદા સામે તમામ લોકો એક સરખા છે. ભલે તેઓ કોઈ પણ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોય. તપાસમાં આ ઘટના કયા કારણસર બની તેની ખરી વિગતો બહાર આવશે તેવું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

ફડણવીસના આદેશ બાદ આ ઘટનાની તપાસ માટે એક સોશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી હતી.


Google NewsGoogle News