જૂનિયર મહેમૂદનું 67 વર્ષની વયે કેન્સરથી નિધન
250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું
જ્હોની લીવર, રઝા મુરાદ સહિતના કલાકારો દફન વિધિમાં સામેલ થયા
મુંબઇ : કેન્સરની બીમારીથી પીડાતા એક્ટર જુનિયર મહેમૂદનું ગઈ મોડી રાતે નિધન થયું હતું. તેમની વય ૬૭ વર્ષની હતી. આજે બપોરે મુંબઈના સાંતાક્રુઝ કબ્રસ્તાન ખાતે તેમની દફન વિધિ થઈ હતી.
ગુરુવારે રાતના તેની તબિયત બગડતાં તેને ઓક્સિજનનો સપોર્ટ આપવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો ન હતો.
તેને ફેંફસા, લીવરનુ ંકેન્સરનું નિદાન થયું હતું. તેમજ તેના આંતરડામાં પણ ગાંઠ હોવાનું જણાયું હતું. તેમજ તેને કમળો પણ થયો હતો.
તેને કેન્સર હોવાનું અને તે અંતિમ સ્ટેજમાં હોવાની જાણ થતાં જ જોની લીવર, જિતેન્દ્ર અને સચીન પિલગાંવકર તેને ખાસ મળવા ગયા હતા. જિતેન્દ્ર તેની હાલત જોઈને રડી પડયો હતો.
તેની દફનવિધિ વખતે બોલીવૂડમાંથી રઝા મૂરાદ, જ્હોની લીવર, અવતાર ગિલ સહિતના કલાકારો હાજર રહ્યા હતા.
નસીમ સઈદ એવું મૂળ નામ ધરાવતા જુનિયર મહેમૂદે પાંચ દાયકાની કારકિર્દી દરમિયાન ૨૫૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની જાણીતી ફિલ્મોમાં 'કટી પતંગ', 'મેરા નામ જોકર', 'પરવરિશ', 'દો ઔર દો પાંચ', 'બ્રહ્મચારી', 'ગીત ગાતા ચલ' સહિતની ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી હતી.