Get The App

મુંબઈ સહિત સમગ્ર રાજ્યના જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
મુંબઈ સહિત સમગ્ર રાજ્યના જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા 1 - image


કોલકતામાં જુનિયર ડોક્ટર પર રેપ અને હત્યાનો વિરોધ

માત્ર આવશ્યક સેવાઓ ચાલુઃ હોસ્પિટલ કેમ્પસમાં સીસીટીવી, સલામતી સ્ટાફ સહિતના પગલાંની માગણી સાથે હડતાળ  

મુંબઇ  :  કોલકતાની મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં દેશભરમાં ડોક્ટરો વિરોધ  પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ રાષ્ટ્રવ્યાપી વિરોધના સમર્થનમાં હવે મહારાષ્ટ્રના રેસિડેન્ટ ડોક્ટરોએ પણ આજ સવારથી અનિશ્વિત હડતાળ શરુ કરી હતી. જો કે, આના કારણે દર્દીઓની સારવાર પર બહુ અસર પડી નથી. કેઈએમ, નાયર, સાયન અને કૂપર હોસ્પિટલોમાં આવશ્યક સેવાઓ ચાલુ જ રહી હતી. ડોક્ટરોના પૂર્વ આયોજનને કારણે અહીં વધુ અસર જોવા મળી ન હતી.

મહારાષ્ટ્ર સ્ટેટ એસોસિએશન ઓફ રેસિડેન્શિયલ ડોકટર્સ (સેન્ટ્રલ- એમઆરડી) ના પ્રમુખ ડૉ. પ્રતિક દેબાજેએ આ અંગે  જણાવ્યું હતું કે, રાજ્યભરની હોસ્પિટલોમાં તમામ વૈકલ્પિક  સેવાઓ  હાલ બંધ કરવામાં આવી છે. પરંતુ  ઈેમર્જન્સી સેવાઓ હડતાળ સમયે પણ અવિરત ચાલુ રહેશે.

આજે  સવાર નવ  વાગ્યાથી, નાગપુર  હોસ્પિટલોમાં  ડોક્ટરોએ  અને તબીબી વિદ્યાર્થીઓએ  સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ઓપીડી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કેન્ડલ માર્ચ કરી હતી. તો પુણેની બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ  ડોક્ટરોએ પણ આ હડતાળમાં ભાગ લીધો હતો. એમએઆરડીના જનરલ સેક્રેટરી આકાશ રાડેએ જણાવ્યું હતું કે, સાસૂન હોસ્પિટલના લગભગ ૪૫૦ રેસિડેન્ટ ડોકટરોએ આજે આ હડતાળમાં ભાગ લીધો હતો.

કોલકાતાની આરજી કેર મેડિકલ કોલેજના  સેમિનાર હોલમાં  ટ્રેઈની  મહિલા ડોક્ટરનો  બળાત્કાર  ગુજારીને હત્યા કરાયેલ મૃતદેહ શુક્રવારે મળી આવ્યો હતો. આ કેસમાં શનિવારે  સીસીટીવી તપાસના આધારે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટનાએ વ્યાપક વિરોધને  પ્રજ્વલિત કયા છેે.  ં જુનિયર ડોક્ટરો અને આરોગ્યસંભાળ કાર્યકરો તેમની સલામતી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી  છે અને તાત્કાલિક આ અંગે પગલા લેવાની માંગ કરી છે. તેના જવાબમાં  સેન્ટ્રલ એમએઆરડીએ કોલકતાની ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરી હતી. તો  તેમની અન્ય માંગણીઓમાં, વહેલી તકે સેન્ટ્રલ હેલ્થકેર પ્રોટેક્શન એકટને અમલમાં મૂકવા માટે એકસપર્ટ કમિટી બનાવવી જોઈએ, ડોકટરની સિક્યોરિટીમાં વધારો કરવામાં આવે અને હોસ્પિટલમાં ૨૪ કલાક રેકોર્ડિંગ કરી શકે એવા સીસીટીવી કેમેરો મૂકવામાં આવે વગેરે નો સમાવેશ થાય છે. 

આ હડતાળમાં આજે  કેઈએમ, નાયર અને સાયન હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ પણ  ભાગ લીધો હતો.ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોકટર્સ એસોશિએશન (એફઓઆરડીએ)ની સાથે મળીને આ હડતાળ શરુ કરાઈ હતી.જેમાં એસોશિએશને સ્પષ્ટ કર્યું હતું કે,  જ્યાં સુધી ન્યાય નહીં મળે અને અમારી માંગણીઓ સંતોષવામા ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે. આ બાદ સોમવારે  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથેની બેઠક  બાદ, કોઈપણ  નિવેડો ન આવતાં એફઓઆરડીએ આ અનિશ્વિત હડતાળ આગળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.

એમએઆરડી દ્વારા હડતાળની જાહેરાતને કારણે  મેડિકલ કોલેજના વહીવટીતંત્રે દર્દીની સારવાર  માટે  વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. જેથી દર્દીની  સારવારને  અસર થઈ નથી.  પરંતુ આ હડતાળને કારણે દર્દીઓની સંખ્યામાં અમુક અંશે ઘટાડો જોવા મળ્યો હતો.



Google NewsGoogle News