ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનામાં ભાવેશ ભિંડેની જામીન અરજી પર આજે ફેંસલો
બોમ્બે હાઈકોર્ટ આજે ભિંડેની મુક્તિ અંગે ચુકાદો જાહેર કરશે
ભિંડેએ હોર્ડિંગ દુર્ઘટના એક્ટ ઓફ ગોડ હતી અને હવામાન ખાતાએ સચોટ આગાહી નહીં કરી હોવાની દલીલ સાથે જામીન માગ્યા છે
મુંબઈ : ઘાટકોપરના હોર્ડિંગની દુર્ઘટના એક્ટ ઓફ ગોડ હોવાની અને પોતાની ગેરકાયદે ધરપકડ થયાનો દાવો કરીને ઈગો મીડિયા પ્રા. લિ.ના ડિરેક્ટર ભાવેશ ભિંડેએ કરેલી તાત્કાલિક મુક્તિ માટે કરેલી અરજી પર બોમ્બે હાઈ કોર્ટ આવતીકાલે ચુકાદો આપશે. ભિંડેની ધરપકડ મે મહિનામાં થઈ હતી અને હાલ અદાલતી કસ્ટડીમાં છે.
ન્યા. ભારતી ડાંગે અને ન્યા. દેશપાંડેની બેન્ચે અરજીની સુનાવણી કરીને આદેશ બાકી રાખ્યો છે અને શુક્રવારે આદેશ આપવામાં આવશે. ૧૩ મેની દુર્ઘટનામાં ૧૭ના મોત થયા હતા પણ આ ઘટના કુદરતી પરિબળોને કારણે સર્જાઈ હતી અને તેથી પોતાને જવાબદાર ઠેરવી શકાય નહીં એવી ભિંડેએ દલીલ કરી હતી. ભિંડે સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને અરજીની સુનાવણી થાય ત્યાં સુધી વચગાળાના જામીન આપવામાં આવે એવી માગણી કરી છે. ધરપકડ કરતી વખતે યોગ્ય પ્રક્રિયા અનુસરાઈ નથી અને સંબંધીત દસ્તાવેજો પર અપક્ષ સાક્ષીદારોની સહિત વગેરે નિયમ પળાયા ન હોવાની દલીલ કરાઈ હતી.
ભિંડેએ ભારતીય હવામાન ખાતાએ ૧૨ મેના રોજ આપેલી આગાહીને ટાંકીને દાવો કર્યો હતો કે બીજા દિવસે યાગ્ય હવામાનની આગાહી કરવામાં ખાતું નિષ્ફળ ગયું હતું. ભારે પવનો સાથે વાવાઝોડાની આગાહી કરાઈ નહોતી.આને લીધે હોર્ડિંગ તૂટી પડયું હતું, ખામિ યુક્ત બાંધકામને લીધે પડયું નહોતું. આવી ઘટના માટે પોતે કે પોતાની કંપની જવાબદાર નથી. હોર્ડિંગ તમામ પરવાનગી લીધા બાદ કાયદેસર રીતે ઊભું કરાયું હતું.