તળોજા જેલમાંથી ખસેડવા સામેની અબુ સાલેમની અરજીથી જજ અળગા રહ્યા
1993 બ્લાસ્ટના કસૂરવારને રાહત નકારતા આદેશ સામે અપીલ
જેલમાંથી ટ્રાન્સફર હત્યાનું કાવતરું છે એવી અબુની મૂળ રજૂઆતઃ અપીલ યોગ્ય બેન્ચ સમક્ષ રજૂ કરવા આદેશ
મુંબઈ : તળોજા જેલમાંથી અન્યત્ર ખસેડવાની યોજના સામે વિરોધ કરતી ગેન્ગસ્ટર અબુ સાલેમની અરજીને વિશેષ ટાડા કોર્ટે ફગાવી દેતાં હાઈ કોર્ટમાં કરેલી અપીલની સુનાવણી કરવાથી ન્યા. નીલા ગોખલે દૂર રહ્યા હતા. સાલેમ ૧૯૯૩ના બોમ્બ ધડાકા કેસમાં જન્મટીપ ભોગવી રહ્યો છે.
પોતાને અન્ય જેલમાં ખસેડવાનો નિર્ણય પોતાની હત્યા કરવાનું કાવતરું છે કેમ કે તે થોડા મહિનામાં મુક્ત થઈ રહ્યો છે એવો દાવો સાલેમે અરજીમાં કર્યો હતો.
તળોજા સેન્ટ્રલ જેલના અંડા સેલનું રિપેરિંગ જરૃરી હોવાથી કસૂરવારો અને આરોપીઓને અન્યત્ર ખસેડવા પડશે એવી જેલ ઓથોરિટીએ વિશેષ કોર્ટમાં અરજી કરતાં મુંબઈ ૧૯૯૩ના બ્લાસ્ટ કેસમાં કસૂરવાર ગેન્ગસ્ટર અબુ સાલેમે સલામતીનું કારણ આપીને પોતાને અન્યત્ર ખસેડવામાં ન આવે એવી અરજી કરી હતી.
સાલેમની અપીલની સુનાવણી ન્યા. અજય ગડકરી અને ન્યા. નીલા ગોખલેની બેન્ચ સમક્ષ લિસ્ટ થી હતી. જોકે જ્યારે આ કેસ સુનાવણી માટે આવ્યો ત્યારે ન્યા. ગોખલેએ 'નોટ બીફોર મી' કહ્યું હતું અને યોગ્ય બેન્ચ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો હતો.
અગાઉ વિશેષ જજ શેળકેએ બંને પક્ષની દલીલો સાંભળીને અરજી ફગાવી હતી. કોર્ટે જોકે પુણે જેલ ઈન્સ્પેક્ટર જનરલને તળોજા જેલ સુપરિન્ટેન્ડન્ટને યોગ્ય નિર્દેશો આપીને નાશિકની સેન્ટ્રલ જેલમાં ખસેડતી વખતે ગેન્ગસ્ટરની સલામતીની તકેદારી લેવા જણાવવા કહ્યું છે. નાશિક જેલને પણ સાલેમની સલામતી માટે પુરતી તકેદારી લેવાનો નિર્દેશ આપવામાં આવે એમ પણ જજે નિર્દેશમાં જણાવ્યું હતું.
આઈજીએ સાલેમની સલામતી સમયાંતરે સમીક્ષા કરીને ચાર મહિનામાં એક વાર રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. કોર્ટે જોકે ત્રીજી જુલાઈ સુધી આદેશનો અમલ નહીં કરવા જણાવ્યું હતું કેમ કે સાલેમના વકિલે અપીલ કરવા સમય માગ્યો હતો.
સાલેમ અને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અભિનેત્રી મોનિકા બેદીને લિસ્બન ખાતેથી ઈન્ટરપોલે ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ ધરપકડ કરી હતી અને ૧૧ નવેમ્બર ૨૦૦૫ના રોજ ભારતીય એજન્સીને સોંપવામાં આવ્યા હતા. સાલેમ ૨૦૦૫થી તળોજા સેન્ટ્રલ જેલના અંડા સેલમાં છે.